6 કલાકમાં 30,000ની હત્યા : જ્યારે ઈરાનથી આવેલા નાદિરશાહે દિલ્હીમાં મચાવી હતી ભયંકર તબાહી, હારી ગયેલા મુઘલોએ આપી દેવું પડ્યું હતું આખું અફઘાનિસ્તાન

188

ઈરાનનો શાસક જ્યારે મુગલકાળમાં ભારત પર ચડી આવ્યો હતો ત્યારે દિલ્હીમાં તેણે કેવી કત્લેઆમ ચલાવી હતી તેનો કલંકિત ઈતિહાસ જે કદાચ આપણાથી છુપાવવામાં આવ્યો છે.18મી સદીના મધ્યભાગ પહેલાં ઈરાનમાં એક એવો શાસક થઇ ગયો હતો જેની ક્રૂરતાની દાસ્તાન આજે પણ જ્યાં-જ્યાં તેણે આક્રમણ કર્યું હતું ત્યાંના લોકોના રુંવાડા ખડા કરી નાંખે છે. પર્શિયાના એ મુસ્લિમ શાસકનું નામ હતું નાદિરશાહ, જે અફશારિદ રાજવંશનો સ્થાપક હતો. દિલ્હી ઉપર હુમલા દરમિયાન તેણે ભયાનક કત્લેઆમ મચાવી હતી.જે બાદ કમજોર પડેલા મુઘલ શાસને આખું અફઘાનિસ્તાન તેને સોંપી દેવું પડ્યું હતું.સૈન્યની બાબતમાં તેની સફળતાઓના કારણે ઇતિહાસકારો તેને ‘પર્શિયાનો નેપોલિયન’ પણ કહે છે.

કત્લેઆમ મચાવવા માટે કુખ્યાત મધ્ય એશિયાના બે સૌથી ક્રૂર શાસકો તૈમૂર અને ચંગેઝ ખાન નાદિર શાહની પ્રેરણા હતા. 1736 થી 1747માં પોતાની હત્યા સુધી ઈરાન પર શાસન કરનાર નાદિર શાહે હોતાકી પશ્તુનોના બળવાનો ફાયદો ઉઠાવીને તત્કાલીન શાસક સુલતાન હુસૈનને પદભ્રષ્ટ કરી સત્તા હાંસલ કરી હતી.તે સમયે તેનું શાસન આર્મેનિયા,અઝરબૈજાન,જોર્જિયા,નોર્થ કોક્સસ,ઇરાક,તૂર્કી,તૂર્કમેનિસ્તાન,અફઘાનિસ્તાન,ઉઝબેકિસ્તાન,પાકિસ્તાન,બહેરીન અને ઓમાન સુધી વિસ્તરેલું હતું.

નાદિર શાહનું ભારત પર આક્રમણ, દિલ્હીમાં મચાવી હતી તબાહી

નાદિર શાહે દિલ્હીના તત્કાલીન મુઘલ શાસક મુહમ્મ્દ શાહને એક સંદેશ મોકલ્યો હતો.ત્યારે તે અફઘાનિસ્તાનમાં તેનું યુદ્ધ અભિયાન ચલાવી રહ્યો હતો અને સ્પષ્ટ કહી દીધું હતું કે ત્યાંના કોઈ પણ ભાગેડુને મુઘલ સામ્રાજ્યમાં શરણ મળવું જોઈએ નહીં. કંદહાર પર નાદિર શાહે કબજો મેળવી લીધા બાદ ત્યાંથી કેટલાક લોકો કાબુલ ભાગી ગયા હતા.મુઘલોએ પર્શિયન શાસકને આશ્વાસન આપ્યું કે બધું તેમના કહેવા અનુસાર જ થશે.પરંતુ જ્યારે નાદિરશાહને ખબર પડી કે અનેક અફઘાનોએ મુઘલ રાજ્યમાં શરણ લીધું હતું, ત્યારે તે ગુસ્સે થઇ ગયો હતો. નાદિર શાહે તે પછી ત્રીજી વખત પોતાના એક દૂતને દિલ્હી મોકલ્યો અને 40 દિવસ સુધી ત્યાં રોકાઈને પરત ફરવા માટે કહ્યું.જોકે, ત્યાં મુઘલોએ તેને પરત ફરવા દીધો ન હતો.એક વર્ષ વીતી ગયા બાદ નાદિર શાહે તેને પરત બોલાવવા માટે આદેશ કર્યો હતો.નાદિર શાહ દિલ્હી તરફ જવા માંગતો ન હતો પરંતુ આ અપમાન તે સહી શક્યો નહીં.

નાદિર શાહને કાબુલ સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડી, કારણ કે ત્યાં સુધીમાં કોઈ વચ્ચે તેને રોકવાની હિંમત કરી શક્યું ન હતું.કાબુલમાં એક નાનકડું યુદ્ધ થયું હતું પરંતુ ત્યાંની મુઘલ સેનાએ આત્મસમર્પણ કરી દેવું પડ્યું હતું. સન 1738 ના ઉનાળા સુધીમાં પર્શિયન સેનાએ કાબુલથી આગળ વધી ચૂકી હતી.રસ્તામાં તેમણે ખૂનામરકી ચાલુ રાખી અને અફઘાનોમાં જે હટ્ટા-કટ્ટા દેખાતા તેમને પોતાની સેનામાં ભરતી કરી દેતા.

કાબુલના સરદાર જ્યારે નાદિર શાહના દૂત સાથે તેનો સંદેશ લઈને દિલ્હી જવા માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં જલાલાબાદના ગવર્નર મીર અબ્બાસે તેમની હત્યા કરી નાંખી હતી.જેનું પરિણામ મીર અબ્બાસે નાદિર શાહના હુમલાના રૂપમાં ભોગવવું પડ્યું.જેના પરિણામ સ્વરૂપ તેની પણ હત્યા કરી નાંખવામાં આવી અને તેના પરિવારને બેડીમાં બાંધીને નાદિર શાહ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. નોંધવાલાયક બાબત એ પણ છે કે નાદિર શાહ જ્યારે દિલ્હી પહોંચ્યો ત્યારે ઔરંગઝેબના મૃત્યુને 32 વર્ષ વીતી ચૂક્યા હતા.

એક તરફ મુઘલ સામ્રાજ્ય સતત નબળું પડી રહ્યું હતું કારણ કે મધ્ય ભારત અને પશ્ચિમ ભાગમાં મરાઠાઓની શક્તિ સતત વધતી જતી હતી. મુઘલોની નીચે શાસન કરનારા અનેક મુસ્લિમ સરદારોએ પણ સ્વતંત્રતાનું એલાન કરી દીધું હતું.ઉત્તરમાં પશ્તુનો બળવો કરી રહ્યા હતા, જેના કારણે અફઘાનિસ્તાનમાં મુઘલ શાસકોની શક્તિ નબળી પડી રહી હતી.બીજી તરફ, ઑટોમન અને પર્શિયનની જેમ દુનિયાભરમાં અમીરી માટે જાણીતા મુઘલોને લૂંટવા માટે નાદિરશાહ મન બનાવી ચૂક્યો હતો.

સૌથી પહેલાં નાદિર શાહ ગઝનીના દક્ષિણમાં કરારબાગમાં રોકાયો હતો,જ્યાંથી તેણે મુઘલ શાસન ધરાવતી ભૂમિમાં પ્રવેશ કર્યો હતો.તેના પુત્ર નસરૂલ્લાહે એક સેના સાથે આગળ જઈને નસરૂલ્લાહ અને બામિયાન પર કબજો જમાવ્યો હતો.ગઝનીનો ગવર્નર તો ભાગી છૂટ્યો હતો પરંતુ ત્યાંના અન્ય મુસ્લિમોએ નાદિરશાહનું સ્વાગત કર્યું હતું.નાદિરશાહે કાબુલથી જ અફઘાનિસ્તાન ચલાવવાનું શરૂ કર્યું અને પોતાના માણસો મૂકી દીધા હતા.ખૈબર પાસે મુઘલો સાથે તેનું યુદ્ધ થયું હતું અને પેશાવર પર નાદિર શાહે કબજો મેળવી લીધો.

ફેબ્રુઆરી 1739 માં નાદિર શાહે સિંધુ નદી પર એક પુલ બનાવ્યો અને જે બાદ કરનાલના યુદ્ધમાં મુઘલોએ ફરી પછડાટ ખાવી પડી. મુહમ્મ્દ શાહ દિલ્હીથી 120 કિલોમીટર દૂર તેની મોટી સેના સાથે પહોંચ્યો હતો, જે 3 કિલોમીટર પહોળી અને 25 કિલોમીટર લાંબી હતી. પોણા ચાર લાખની સેના ઉપરાંત હજાર તોપ અને હાથી પણ તેમાં સામેલ હતા.જોકે, મોટાભાગના સૈનિકો અપ્રશિક્ષિત હતા. જોકે, મુહમ્મ્દ શાહને પોતાની પસંદગીની જગ્યા પર યુદ્ધ કરવા માટે મજબૂર કરવાની ચાલ નાદિરશાહની જ હતી અને તેણે અગાઉથી જ રેકી કરી રાખી હતી.

દિલ્હીમાં પર્શિયન સેનાએ ભયંકર તબાહી મચાવી હતી

નાદિરશાહે 20,000 મુઘલ સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને જે બાદ મુહમ્મ્દ શાહે આત્મસમર્પણ કરવાનો વારો આવ્યો હતો.સામે તરફે મુઘલો પર્શિયન સેનાના 500 સૈનિકો પણ મારી શક્યા ન હતા.આખરે મુહમ્મ્દ શાહે નાદિરશાહ સમક્ષ હાજર થવું પડ્યું હતું.જ્યારે નાદિરશાહ દિલ્હીમાં ઘૂસ્યો હતો ત્યારે હારી ગયેલા મુઘલોએ તોપો અને બંદૂકોના ફાયરિંગથી તેનું સ્વાગત કર્યું હતું.તેણે પર્શિયન નવું વર્ષ દિલ્હીમાં જ ઉજવ્યું હતું.જોકે, દિલ્હીની જનતાએ તેની સામે મોરચો ખોલી દીધો હતો.

જેને કચડી નાંખવા માટે તે ભયાનક ક્રૂરતા પર ઉતરી આવ્યો હતો અને પર્શિયન સેનાએ માત્ર 6 કલાકની અંદર 30,000 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.યમુના નદીના કિનારે લઇ જઈને અનેક લોકોના માથા ધડથી અલગ કરી નાંખવામાં આવ્યાં તો લોકોના ઘરમાં ઘૂસીને પર્શિયન સેના તેમને મારવા માંડી હતી.જે બાદ તેઓ ઘરોમાં આગ લગાડી દેતા હતા.અનેક લોકોએ પરિવાર સાથે આત્મહત્યા કરી લીધી હતી, કારણ કે પર્શિયન સેનાના હાથે મરવા કરતા તે જ સારો વિકલ્પ હતો.બળવો કરવામાં સામેલ બે મુઘલ સરદારો સૈયદ નિયાઝ ખાન અને શાહનવાઝ ખાનને સેંકડો સમર્થકો સાથે લાવીને નાદિરશાહની સામે મારી નાંખવામાં આવ્યા હતા.

જે બાદ નાદિરશાહે દિલ્હીના તમામ વિસ્તારોમાં કર વસૂલવા માટે પોતાના માણસો મોકલ્યા હતા.પર્શિયન સેનાએએ મુઘલોનું ‘પીકોક થ્રોન’ એટલેકે મયુરાસન પણ કબજે કરી લીધું હતું. કોહિનુર અને દિયા-એ-નૂર હીરા પણ નાદિરશાહ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.મુઘલોએ ફટાફટ નાદિરશાહ સામે પોતાના સામ્રાજ્યનો હિસ્સો અને ધન મૂક્યા પછી જ શાંતિ થઇ હતી.જે બાદ સિંધુ નદીની પશ્ચિમની તમામ ભૂમિ પર્શિયન સામ્રાજ્યનો હિસ્સો બની ગઈ હતી.

મે 1739ની શરૂઆતમાં નાદિરશાહે પર્શિયા પરત ફરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.કહેવાય છે કે ભારત પાસેથી તેણે એટલું ધન લૂંટ્યું હતું કે પરત ફર્યા બાદ તેના દેશમાં ત્રણ વર્ષ સુધી ટેક્સ વસૂલવાની જરૂર પડી ન હતી.પરત ફરતી વખતે તે હજારો હાથી,ઊંટ અને ઘોડાઓ પોતાની સાથે લઇ ગયો હતો.આ જ એ તબાહીનો કાળ હતો જે બાદ બ્રિટિશોને પણ મુઘલોની નબળાઈ ધ્યાને આવી હતી.આ ઘટના ન બની હોત તો કદાચ અંગ્રેજો પણ ભારત ઉપર આટલા વહેલા શાસન કરી શક્યા ન હોત.

Share Now