ભારતે પંચાયતોને ખરા અર્થમાં ગ્રામ સ્વરાજ સ્થાપ્યું : PM મોદી

115

નવી િદલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે છેલ્લાં આઠ વર્ષમાં સરકારે લોકશાહીઢબે પંચાયતોને સત્તા સોંપીને ગ્રામ સ્વરાજમાં નવું સીમાચિહ્ન સ્થાપ્યું છે.તેમણે સરપંચોને કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા,જળસંચય કરવા અને આગામી યોગદિવસને કંઈક વિશેષ બનાવવા અપીલ કરી હતી.તેમણે દેશવાસીઓને યોગને તેમના રોજિંદા જીવનમાં આવરી લેવાની પણ અપીલ કરી હતી.

વડાપ્રધાને કેન્દ્રમાં ભાજપશાસિત એનડીએ સરકારના આઠ વર્ષ પૂરા થયા તે નિમિત્તે દેશભરના સરપંચોને લખેલા પત્રમાં આ સરકારની વિવિધ સિદ્ધિઓ વર્ણવીને વિવિધ મુદ્દાની યાદી રજૂ કરી છે જે અંગે તેમણે સરપંચોનો સહયોગ માગ્યો છે.તેમણે કહ્યું કે સરપંચોને લોકશાહી ઢબે સત્તા સોંપીને આ સરકારે ગ્રામ સ્વરાજની દિશામાં નવું સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે.વિશ્વ આરોગ્ય સંસ્થાએ તાજેતરમાં આશા(એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ)વર્કર્સને સન્માનિત કર્યા તેનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને કહ્યું કે ગામડાંઓ માટે આ ગર્વની વાત છે.તેમણે 21 જૂને આવી રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દરેક ગામમાં દરેક વ્યક્તિ યોગ અંગે પ્રોત્સાહિત થાય તે માટે કંઈક વિશેષ કરવા અપીલ કરી હતી.તેમણે કહ્યું કે ગામની નજીકના પ્રાચીન સ્થળ કે પ્રવાસન સ્થળ કે જળાશયની નજીક યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમનું આયોજન કરવા અને તે અંગેની તસવીરો મોકલીને લોકોને પ્રેરણા આપવા કહ્યું હતું.આ વર્ષે યોગ દિવસ નિમિત્તે “માનવતા માટે યોગ”થીમ છે તેમ જણાવીને તેમણે કહ્યું કે કોરોનાકાળ દરમિયાન લોકોને જીવનમાં આરોગ્યનું મહત્વ સમજાયું અને યોગ તેમાં કેવી મહત્વની ભૂમિકા ભજવી શકે તે સમજાયું.

વડાપ્રધાને આ સાથે જળસંચયની અપીલ કરીને કહ્યું હતું કે વરસાદનું પાણી સંચય કરવા માટે પ્રયાસ કરવા જોઈએ.આ માટે સરકારે દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા થવા નિમિત્તે દરેક જિલ્લામાં અમૃત સરોવરનો સંકલ્પ પણ કર્યો છે.સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતવાળા નાગરિકને પહોંચે તેવા પ્રયાસ સરપંચોએ કરવા પડશે તેમ તેમણે કહ્યું હતું.સ્વચ્છ ભારત અંગે પણ ગંભીર પ્રયાસ કરવા તેમણે કહ્યું હતું.

Share Now