મુંબઈ : શિવસેનાના સાંસદ સંજય રાઉતે રવિવારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવિસ પર નિશાન સાધ્યું હતું.રાઉતે જણાવ્યું કે જો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)નું નિયંત્રણ શિવસેનાને સોંપવામા આવે તો ફડવિસ પણ અમને જ મત આપશે.ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણીમાં છઠ્ઠી બેઠક માટે ઉભા રહેલા શિવસેનાના ઉમેદવાર સંજય પવારના પરાજય બાદ રાઉતે આ પ્રકારનું નિવેદન કર્યું હતું.શુક્રવારે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની છ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી.આ ચૂંટણી શાસક પક્ષના ઘટક શિવસેના અને વિપક્ષ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહી હતી.વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવિસના નેતૃત્વમાં ભાજપે કુલ ત્રણ બેઠક પર વિજય મેળવ્યો હતો.છઠ્ઠી બેઠક પર ભાજપના ધનંજય મહાડિકનો વિજય થયો તેનો શ્રેય પણ ફડણવિસને જાય છે.
રાજ્યસભાની ચૂંટણી અગાઉ રાઉતે આક્ષેપ કર્યો હતો કે ભાજપ કેન્દ્રીય એજન્સીનો દુરૂપયોગ કરે છે અને અપક્ષ અથવા નાના પક્ષોને તેમના ઉમેદવારના તરફેણમાં મતદાન કરવા દબાણ કરવામાં આવે છે.નાના પક્ષો તથા કેટલાક અપક્ષ ધારાસભ્યોએ શિવસેનાને સમર્થન આપ્યું છે તેમના મત ભાજપની જીતમાં મહત્વના પુરવાર થયા હતા.પત્રકારો સાથે વાતચીતમાં રાઉતે જણાવ્યું કે,જો બે દિવસ ઈડીનું નિયંત્રણ અમને સોંપવામાં આવ્યું હોત તો દેવેન્દ્ર ફડણવિસે પણ અમારી તરફેણમાં મતદાન કર્યું હોત.શિવસેનાના મુખ્ય પ્રવક્તાએ શનિવારે ચૂંટણી પરિણામ બાદ મહારાષ્ટ્રમાં છ રાજ્યસભા બેઠક પૈકી ત્રણમાં ભાજપના વિજયને હોર્સટ્રેડિંગનું મેન્ડેટ ગણાવ્યું હતું.આ ઉપરાંત તેમણે ચૂંટણી પંચ સામે પણ ભાજપનો પક્ષ લેવાનો આક્ષેપ કર્યો હતો. રાઉતના મતે કેટલાક ઘોડાઓ(ધારાસભ્યો)માટે ઊંચી બોલી બોલવામાં આવી હતી અને તેમણે અમારા ઉમેદવાર માટે મતની ખાતરી આપી હોવા છતાં અંતિમ ઘડીએ તેઓ ફરી ગયા હતા.
રાઉતે આ મામલે રવિવારે વધુમાં જણાવ્યું કે,અમે અમારી લાગણી વ્યક્ત કરી હતી.જેમણે શિવસેના અથવા ભાજપ બન્નેમાંથી કોઈને મત નથી આપ્યો તેઓ અમે શું કહી રહ્યા છીએ તેનાથી સારી રીતે વાકેફ છે.અગાઉ બહુજન વિકાસ અઘાડી પાર્ટીના ત્રણ એમએલએ,કરમાલાના અપક્ષ ધારાસભ્ય સંજયમામ શિંદે,સ્વાભિનાની પક્ષના ધારાસભ્ય દેવેન્દ્ર ભુયર અને પીડબલ્યુપીના એમએલએ શ્યામસુંદર શિંદેએ શિવસેનાના ઉમેદવારને મત આપવાની ખાતરી આપી હોવા છતાં તેઓએ તેમ કર્યું નહતું.આ બાબતની નોંધ લેવામાં આવી છે અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શિવસેનાના ઉમેદવાર સંજય પવારના પરાજયથી ઘણા નારાજ છે.