સુરત : તા.12 જૂન 2022 રવિવાર : સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે સુરત મ્યુનિ.ના રીવર ફ્રન્ટ બહારનો રોડ કાટપીટીયા બજાર બની ગયો છે. જ્યારે બ્રિજથી અડાજણ પાટીયા તરફ જતા રોડના ફુટપાટ પર લારીવાળા નો કબજો છે.સુરત પાલિકાની ગંભીર બેદરકારીને કારણે આ રોડ હવે કાટપીટીયા બજાર જેવો બની ગયો છે.આ ઉપરાંત અહી જે ગંદકી થઈ રહી છે તેના કારણે સુરત ની સુંદરતાને પણ ગ્રહણ લાગી રહ્યું છે.ફુટપાથ પર લારીવાળાઓનો કબજો હોવાથી લોકો રસ્તા પર ચાલવા મજબુર બની રહ્યા છે.
સુરત મ્યુનિ.તંત્ર દ્વારા લાખો રૃપિયાનો ખર્ચ કરીને અડાજણ છેડે રિવરફ્રન્ટ બનાવ્યો છે પરંતુ રીવર ફ્રન્ટ બહારના રોડ પર માથાભારે તત્વો કબજો જમાવી દીધો છે.અડાજણના લો લેવલ બ્રિજથી નહેરુ બ્રિજ- વોક વે બ્રિજ સુધીના રસ્તા પર માથાભારે કાટપીટાયાઓએ કબ્જો જમાવ્યો છે.આ જગ્યાએ જુના ભંગાર અને લાકડાના ફર્નિચર મુકી દેવામાં આવ્યા છે.આ ઉપરાંત જુના કબાટ અને અન્ય વસ્તુઓ સાથે રીક્ષાનો જમેલો પણ રહે છે.આ જગ્યાએ બનેલા ફુટપાથ પર ભાડે આપવાના લારી નો ખડકલો કરી દેવામાં આવ્યો છે.અહીથી કચરાપેટી ખસેડી દીધો હોવા છતાં લોકો અહીં લોકો કચરો નાખીને ગંદકી ફેલાવી રહ્યાં છે.
નહેરુ બ્રિજ થી લો લેવલ બ્રિજ સુધી જતા રસ્તા પર કાટપીટીયાઓના કબજો છે જ્યારે નહેરુ બ્રિજ થી અડાજણ પાટીયા તરફ જતા રસ્તા પર માથાભારે લારીવાળાઓ દબાણ કરી રહ્યાં છે.આ રોડ પર રાહદારીઓને ચાલવા માટે બનાવવામાં આવેલા ફુટપાથ પર માથાભારે લારીવાળાઓ લારીઓ મુકી દબાણ કરી રહ્યાં છે.જેના કારણે લોકોએ રોડ પર ચાલવું પડી રહ્યું છે.પાલિકા તંત્ર આ માથાભારે તત્વો ને દૂર કરતું ન હોવાથી સુરતના લોકોને મુશ્કેલી પડવા સાથે સુરત ની સુંદરતાને પણ ગ્રહણ લાગી રહ્યું છે.