સરથાણાના ટુર ઓપરેટર અને મિત્રનું સાઢુભાઇએ સીબીઆઇના નામે અપહરણ કરી ધમકાવ્યો

151

સુરત : સરથાણા જકાતનાકાના ટુર એન્ડ ટ્રાવેર્લ્સ ઓપરેટર અને તેના મિત્રનું બીટકોઇનના રૂપિયાની લેતીદેતીના વિવાદમાં સાઢુભાઇએ તેના મિત્રો સાથે મળી સીબીઆઇ અધિકારીના નામે કારમાં અપહરણ કરી ગોંધી રાખી ધાક-ધમકી આપતા મામલો સરથાણા પોલીસમાં પહોંચ્યો છે.

સરથાણા જકાતનાકા સ્થિત ગોકુલમ આર્કેડમાં ટુર એન્ડ ટ્રાવેર્લ્સનો ધંધો કરતા દીપક દેવજી વઘાસીયા(ઉ.વ.38 રહે.જલદર્શન સોસાયટી,નાના વરાછા)પોતાની ઓફિસમાં મિત્ર વિપુલ મનુ ગોદાણી અને ભત્રીજા કેતન વઘાસીયા તથા ભાણેજ કુલદીપ ખડેલા સાથે બેઠા હતા ત્યારે સીબીઆઇ અધિકારી તરીકે ઓળખ આપી ચાર અજાણ્યા ઘસી આવ્યા હતા.તેમની સાથે દીપકના સાઢુભાઇ વિજય રામજી સભાડીયા(રહે. બી/37,સહકાર નગર,કામરેજ)અને તેના મિત્ર ગુણવંત અરૂણ રાણપરીયા પણ હતા.આ તમામે તમે બીટકોઇનમાં શું ફ્રોડ સ્કીમ ચલાવો છો એમ કહી જબરજસ્તી ભાડાની ઇનોવા કારમાં બેસાડી અપહરણ કરી ડુમ્મસ રોડ એરપોર્ટની સામે રાજહંસ બેલીઝમાં લઇ ગયા હતા.જયાં પાછળ-પાછળ આઇ ટ્વેન્ટી કારમાં ગુણવંત રાણપરીયા અને ભદ્રેશ રામજી સભાડીયા(રહે.બી/55,લક્ષ્મીકાંત સોસાયટી-2,કામરેજ) આવ્યા હતા.જયાં વિજય અને ગુણવંતે દિપકને તું અમારી પાસેથી બીટકોઇનમાં રોકાણના નામે પૈસા લઇ ગયો છે તેનું શું છે ? અમારા પૈસા આપી દેજે નહીં તો બધાને તકલીફ પડશે અને કેસ કરી તને અને તારા ભાગીદાર મહેન્દ્ર ચૌધરીને ફીટ કરી દઇશું તેવી ધમકી આપી હતી.જયારે સીબીઆઇ તરીકેની ઓળખ આપનારે તમે અંદર-અંદરના છો,તમારા પૈસાની લેવડ-દેવડ બે દિવસમાં પતાવી દેજો,નહીં તો તમારા પરીવારને તકલીફ પડશે એવી ધમકી આપી પુનઃ ભાડાની ઇનોવા કારમાં ઓફિસે ઉતારીને ભાગી ગયા હતા.ઘટના અંગે દીપક વઘાસીયાએ સીબીઆઇ નામે ધાક ધમકી આપી અપહરણ કરનાર અજ્ઞાત ઉપરાંત સાઢુભાઇ વિજય સભાડીયા અને ગુણવંત રાણપરીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

Share Now