સુરત : વિધાનસભા,લોકસભા કે કોઇ પણ ચૂંટણી હોય તો મતદારોને મતદાન કરવા માટે ચૂંટણી પંચ એક નહીં ૧૪ માન્ય પુરાવાના આધારે મતદાન કરવાની તક આપે છે.જયારે નર્મદ યુનિવર્સિટી તો ચૂંટણી ઓળખકાર્ડ નહીં તો પરીક્ષાના ફોર્મ નહીં સ્વીકારવાના જક્કી વલણને લઇને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા માટે કોલેજ પર આંટાફેરા મારીને પાછા આવી રહ્યા છે.
નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં સોમવારથી નવુ શૈક્ષણિક વર્ષ શરૃ થવા જઇ રહ્યુ છે.ત્યારે આગામી સપ્ટેમ્બર મહિનામાં લેવાનારી પરીક્ષા માટે હાલમાં જે પરીક્ષાના ફોર્મ ભરાઇ રહ્યા છે.તે ફોર્મ સાથે વિદ્યાર્થીઓએ પોતાનું ચૂંટણી ઓળખકાર્ડ અપલોડ કર્યુ હોઇ તો જ ફોર્મ સ્વીકારી રહ્યા છે.જે વિદ્યાર્થીઓએ ચૂંટણી ઓળખકાર્ડ કઢાવ્યા નહીં હોઇ અને અપલોડ કર્યા નહીં હોઇ તેવા વિદ્યાર્થીઓ કોલેજ પર જઇને પરીક્ષાનું ફોર્મ ભરે છે,ત્યારે કોલેજ સંચાલકો યુનિવર્સિટીનો ફતવો બતાવીને પાછા કાઢી રહ્યા છે.આજે પણ અંખડ આનંદ કોલેજ સહિત ઘણી કોલેજના સંચાલકોએ ચૂંટણી ઓળખકાર્ડ ન હોવાના કારણે ફોર્મ સ્વીકારાયા ના હતા.આ કારણે વિદ્યાર્થીઓમાં નિરાશાનું મૌજુ ફરી વળ્યુ છે.
યુનિવર્સિટીના સતાધીશો,કેટલાક કહેવાતા સેનેટ અને સિન્ડીકેટ સભ્યો કે જેઓ છાશવારે વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવીને ન્યાય અપાવતા હતા.તેઓ પણ ભૂર્ગભમાં ચાલ્યા જતા વિદ્યાર્થીઓ કોલેજ પર ફરી ફરીને નિરાશ થઇ રહ્યા છે.અને પરીક્ષા કેવી રીતે આપશે તેનો ડર સતાવી રહ્યો છે.વિદ્યાર્થીઓના કહેવા મુજબ ચૂંટણી ટાળે તો ચૂંટણી પંચ ૧૪ પુરાવાના આધારે મતદાન કરવા દે છે.જયારે અમારી પાસે ભલે ચૂંટણી ઓળખકાર્ડ નથી.પરંતુ બીજા પુરાવા છે તે માન્ય રાખીને પરીક્ષા ફોર્મ સ્વીકારવા જોઇએ.આ રીતે હજ્જારો વિદ્યાર્થીઓને હેરાન કરવાનો શો અર્થ છે? બીજી બાજુ ચૂંટણી તંત્ર દ્વારા ઓળખકાર્ડની કામગીરી થઇ રહી નથી.તેથી વિદ્યાર્થીઓને હાલ ઓળખકાર્ડ મળવા મુશ્કેલ છે.યુનિવર્સિટીમાં રજુઆતો કોણ કરે છે તેના પર નિર્ણયો લેવાય છે
આ ચૂંટણી ઓળખકાર્ડનો મુદ્વો સૌથી પહેલા સેનેટ સભ્ય ભાવેશ રબારીએ ઉપસ્થિત કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓના હિતમાં રજુઆત કરી હતી.પરંતુ કોઇ નિર્ણય થયો નથી.રજુઆતને લઇને તેમણે સતાધીશો પર આક્ષેપ કર્યા હતા કે યુનિવર્સિટીમાં રજુઆત કોણ કરે છે.તેના પર નિર્ણય લેવાની ફેશન શરૃ થઇ છે.પછી ભલેને હજ્જારો વિદ્યાર્થીઓ અટવાતા હોય તો પણ નિર્ણય લેવાતો નથી.જેના કારણે વિદ્યાર્થીઓ ટેન્શનમાં રહે છે.