ચોરી પકડાઈ જતાં સગીર નોકરાણીનો 16મા માળેથી ઝંપલાવી આપઘાત

99

મુંબઇ : નાગપાડામાં ફલેટમાં ઘરકામ માટે રહેતી અને રોકડ રકમ ચોરી કરતાં પકડાયેલી કિશોરીએ ૧૬મા માળેથી નીચે ઝંપલાવીને જીવન ટૂંકાવી લીધું હતું.પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુની નોંધ કરી હતી.સાથે સાથે ફલેટના માલિક સામે બાળમજૂરી કાયદા હેઠળ સગીરને તેમના ઘરે કામ કરાવવા બદલ કેસ દાખલ કર્યો છે.પોલીસના જણાવ્યા મુજબ ‘ગત ૧૫ દિવસથી આ કિશોરી અહીં ઘરકામ કરતી હતી. તે માલિકના ઘરે જ રહેતી હતી.તેના કુટુંબીજનો એન્ટોપ હિલમાં રહેતા હતા.આ કિશોરી તેના પરિવાર સાથે કોલકાતા જવાની હતી.આથી માતા તેને લેવા માલિકના ઘરે આવી હતી.દરમિયાન માલિકની પુત્રીનું પર્સ ગાયબ હતું.પછી તપાસ કરતા કિશોરીની બેગમાંથી આ પર્સ મળ્યું હતું.

કિશોરીની માતા ત્યાં હાજર હોવાથી માલિકે તેને ચોરીની જાણ કરી હતી.માતાએ કિશોરીને ઠપકો આપ્યો હતો.બાદમાં કિશોરી પાણી પીવાના બહાને રસોડામાં ગઈ હતી અને બાલ્કનીમાંથી નીચે કૂદકો મારી દીધો હતો.અતિશય ગંભીર ઈજાઓના કારણે તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.બનાવને કારણે ભારે અરેરાટી ફેલાઈ હતી.નાગપાડા પોલીસ અપમૃત્યુનો કેસ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.આપઘાત કરનારી કિશોરી સગીર હોવાની જાણ થતાં તેને કામ પર રાખનાર ે માલિક અને તેની પત્ની સામે બાળમજૂરી કાયદા હેઠળ પણ કેસ નોંધાયો હતો.કાયદા અનુસાર સગીર કિશોર કે કિશોરીને ઘરકામ સહિતનાં કોઈપણ કામ માટે રાખી શકાય નહીં.

Share Now