મુંબઈ : મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પાણીનો પ્રશ્ન ગંભીર બની ગયો હોવાનું કહેવાય છે.પીવાના પાણીના મુદ્દે ચાર જણ પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક જણનું મૃત્યુ થયું હતું.ઔરંગાબાદના રાજણગાવ શેણપુંજી ખાતે પ્રભાકર ચોરમલે તેના કુટુંબ સાથે ભાડાના ઘરમાં રહે છે.તેની પાડોશમાં ભાઉસાહેબ દળવી રહેતો હતો.ગત થોડા દિવસથી નળમાંથી પાણી ભરવાના મુદ્દે દળવી અને ચોરમલે કુટુંબ વચ્ચે વિવાદ ચાલુ હતો.બંને પરિવારની મહિલા વચ્ચે ઝઘડો થતા દળવી કુટુંબના ત્રણ જણે ચોરમલેના ઘરે જઈ ગાળો આપી હતી.તે સમયે સંકેત ચોરમલેએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ યોગેશ દળવીએ ચાકૂના ઘા ઝીંકી તેને લોહીલુહાણ કરી દીધો હતો. સંકેત જીવ બચાવવા બૂમાબૂમ કરી હતી.તેના માતા-પિતા મદદે આવ્યા હતા.પણ યોગેશે પ્રભાકર ચોરમલે તેની પત્ની પર પણ ચાકૂથી હુમલો કર્યો હતો.આ બનાવમાં ચાર જણને ઈજા થઈ હતી.તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં પ્રભાકરનું મોત થયું હતું.તાજેતરમાં પાણીની સમસ્યાને લીધે ઔરંગાબાદમાં આંદોલન કરવામાં આવ્યું હતું.