સુરત : સુરત મ્યુનિ.સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિદ્યાર્થીઓને સત્ર અડધું પૂરું થાય ત્યારબાદયુનિફોર્મ અને બુટ મોજા આપવા માટે વગોવાયેલી છે.પરંતુ હાલના શિક્ષણ સમિતિના અધ્યક્ષે માત્ર પંદર જ દિવસમાં વિદ્યાર્થીઓને બુટ મોજા અને ગણવેશ આપી દેવામાં આવશે તેવો દાવો કર્યો છે.હજી શાળા શરુ થઈ છે અને વિદ્યાર્થીઓના બુટ મોજા અને ગણવેશના માપ પણ લેવામાં આવ્યા નથી.શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષથી કોવિડ ના કારણે યુનિફોર્મ અપાયા ન હોવાથી આજે અનેક વિદ્યાર્થીઓ યુનિફોર્મ વિના જ સ્કૂલે આવ્યા હતા.વિદ્યાર્થીઓ સાથે સાથે શાળાના શિક્ષકો અને સ્ટાફને પણ હજી યુનિફોર્મ આપવામા આવ્યા નથી.તેમ છતાં પણ શિસ્તના નામે શિક્ષકો યુનિફોર્મ પહેરીને આવી રહ્યા છે પરંતુ હજુ પણ અનેક વિદ્યાર્થીઓ યુનિફોર્મ વિના જ આવી રહ્યાં છે.
ગત ટર્મમાં યુનિફોર્મ અને બુટ મોજા ના વિરોધ કરનારા ધનેશ શાહને આ ટર્મમાં રીપીટ કરવા સાથે અધ્યક્ષ બનાવાયા છે.આજે તેમણે કહ્યું કે,અધ્યક્ષ ધનેશ શાહે કહ્યું હતું કે,થોડા સમય પહેલા ટેન્ડર મંજુર કરી વર્ક ઓર્ડર આપી દેવાય છે.યુનિફોર્મ અને બુટ મોજા વહેલા આવી જાય તે માટે પ્રયાસ થઈ રહ્યાં છે.પંદર દિવસમાં જ વિદ્યાર્થીઓને બુટ મોજા અને યુનિફોર્મ મળી રહેશે એમ તેમણે દાવો કર્યો હતો.બીજી તરફ આજથી સ્કૂલ શરૃ થઈ અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ પુરતી નથી તેવા સંજોગોમાં તમામ વિદ્યાર્થીઓના માપ લેવા અને તે મુજબ યુનિફોર્મ અને બુટ મોજા આપવા શિક્ષણ સમિતિ માટે મોટો પડકાર બની રહેશે.