નવી દિલ્હી : માહિતી અને પ્રસારણ મંત્રાલયે સોમવારે પ્રિન્ટ,ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાને ઓનલાઇન સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાત પ્રકાશિત કરવાથી બચવાની સલાહ આપતા જણાવ્યું હતું કે દેશના મોટા ભાગના વિસ્તારોમાં સટ્ટાબાજી અને જુગાર ગેરકાયદે છે અને તે ગ્રાહકો માટે મહત્ત્વપૂર્ણ નાણાકીય તથા સામાજિક-આર્થિક જોખમ પેદા કરે છે.મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રિન્ટ,ઇલેક્ટ્રોનિક,સોશિયલ અને ઓનલાઇન મીડિયામાં ઓનલાઇન સટ્ટાબાજીની વેબસાઇટોના અનેક કેસ સામે આવ્યા પછી આ નિર્દેશ જારી કરવામાં આવ્યા છે.
મંત્રાલયે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને ઓનલાઇન સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાત આપવાથી બચવાની સલાહ આપી છે.મંત્રાલયે ઓનલાઇન જાહેરાત મધ્યસ્થો અને પ્રકાશકો સહિત ઓનલાઇન અને સોશિયલ મીડિયાને ભારતમાં આવી જાહેરાત પ્રકાશિત ન કરવાની સલાહ આપી છે.મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે દેશના મોટા ભાગના વિસ્તારોમાં સટ્ટાબાજી અને જુગાર ગેરકાયદે છે અને ગ્રાહકો ખાસ કરીને યુવાનો અને બાળકો માટે સૌથી વધારે નાણાકીય અને સામાજિક-આર્થિક જોખમ પેદા કરે છે.મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે આવા પ્રકારની જાહેરાતોને કારણે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓને મોટા પાયે વેગ મળે છે.