મુંબઇ : ઉત્તરપ્રદેશના સહારનપુરમાંથી મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્કવૉડ(એટીએસ)ની ટીમે ૨૦ વર્ષીય ઇનામુલ હકની ધરપકડ કરી છે.અગાઉ પુણે આસપાસના સ્થાનિક યુવકોનું બ્રેઇન વોશિંગ કરી લશ્કર-એ-તોઇબામાં ભરતી કરનારા શકમંદ આતંકવાદી જુનેદને એટીએસે પકડયો હતો.હવે જુનેદની પૂછપરછ બાદ તેના સાથીદાર ઇનામુલને ઝડપી લેવામાં આવ્યો હતો.ઇનામુલ હકની અગાઉ યુપીએ એટીએસ દ્વારા લશ્કર એ તોઈબા સાથે સાંઠગાંઠના આરોપસર ધરપકડ કરાઈ હતી.તે ત્યાંની જેલમાં હતો.હવે મહારાષ્ટ્ર એટીએએસએ પુણેના જુનેદના કેસમાં તપાસ માટે તેની કસ્ટડી મેળવી છે.
મૂળ બુલઢાણાના ૨૮ વર્ષીય જુનેદને તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના આતંકવાદી સંગઠન દ્વારા પૈસા આપવામાં આવ્યા હોવાનું કહેવાય છે.જુનૈદ અને ઈનામુલ બંને એકમેકના સંપર્કમાં હતા.યુપી એટીએસની એફઆઈઆરમાં પણ જુનૈદનો ઉલ્લેખ છે.પુણેના દાપોડી પરિસરમાં મદરસા નજીક રહેતો જુનેદ કોઇને શંકા ન જાય માટે ભંગારની દુકાનમાં કામ કરતો હતો.તે સોશિયલ મીડિયાના માધ્યમથી આતંકવાદી સંગઠનના સંપર્કમાં હતો.જમ્મુ-કાશ્મીરના ગઝવાતે અલહિંદ આતંકવાદી જૂથે થોડા સમય પહેલા તેના બેન્કના ખાતામાં ૧૦ હજાર રૃપાયા જમા કરાવ્યા હતા.આતંકવાદી ગતિવિધી માટે યુવાનોની ભરતી કરવા વિસ્ફોટક અને શસ્ત્રો ચલાવવાની તાલીમ આપવા ફંડિંગ કરવામાં આવતું હોવાની શંકા છે.
સોશિયલ મીડિયા અને અન્ય નેટવર્કમાં પોતાની ઓળખ છુપાવવા તે વારંવાર મોબાઇલ ફોન નંબર બદલતો હતો.પુણેમાં જુનેદ સ્થાનિક યુવકોનું બ્રેઇન વૉશિંગ કરી આતંકવાદી ગતિવિધીમાં સાતેક કરતો હોવાની શંકા છે.ગત એક વર્ષમાં જુનેદ અનેક વખત જમ્મુ-કાશ્મીર ગયો હતો.જુનેદની ધરપકડ બાદ એટીએસની ટીમે આ કેસમાં વિવિધ સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરી અમૂક જણની પૂછપરછ કરી હતી.