અગ્નિપથ યોજનાઃ લશ્કરી દળોમાં 4 વર્ષ માટે અગ્નિવીરોની ભરતી કરાશે

107

નવી દિલ્હી : સરકારે લશ્કરી દળોમાં સૈનિકોની ભરતીની સિસ્ટમમાં ધરખમ સુધારાની જાહેરાત કરી છે.આર્મી,નેવી અને એરફોર્સમાં સૈનિકોની ભરતી માટે અગ્નિપથ નામની યોજનાની જાહેરાત કરાઈ છે.આ યોજના હેઠળ ચાર વર્ષના ટૂંકા ગાળામાં કોન્ટ્રાક્ટને આધારે સૈનિકોની ભરતી કરાશે.સરકારના વેતન અને પેન્શનના વધતા જતાં ખર્ચમાં ઘટાડો કરવા તથા લશ્કરી દળોમાં યુવાનોની સંખ્યામાં વધારો થાય તે હેતુસર આ યોજના લવાઈ છે.આ સ્કીમ હેઠળ લશ્કરની ત્રણેય પાંખમાં 17.5 વર્ષથી 21 વર્ષની વયજૂથમાં આવતા આશરે 46,000 યુવાનોની સૈનિક તરીકે ભરતી થશે.આ ભરતી ઓલ ઇન્ડિયા-ઓલ ક્લાસ બેસિસ હશે.તેનાથી ચોક્કસ પ્રદેશો અને ચોક્કસ જ્ઞાતિ(રાજપૂત,જાટ,શિખ)માંથી યુવાનોની ભરતી કરતી કેટલીક રિજિમેન્ટમાં ફેરફાર થશે.ભરતીના ચાર વર્ષ પૂરા થયા બાદ દરેક બેચમાંથી 25 ટકા સૈનિકોને રેગ્યુલર સૈનિકો તરીકે જાળવી રખાશે.

ભરતીના પ્રથમ વર્ષે અગ્નિવીરનું માસિક વેતન ~30,000 હશે. તેમાંથી તેના હાથમાં ~21,000 આવશે.બીજા,ત્રીજા અને ચોથા વર્ષે અગ્નિવીરનું કુલ વેતન અનુક્રમે ~33,000,36,500 અને~40,000 રહેશે.દરેક અગ્નિવીરને સેવા નીધિ પેકેજ તરીકે ~11.71 લાખની રકમ મળશે અને તેને આવકવેરામાં મુક્તિ મળશે. ભરતીની પ્રક્રિયા આગામી 90 દિવસમાં ચાલુ થશે.સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ આ યોજના મંજૂરી આપ્યા બાદ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે આ નવી પહેલની વિગતો આપી હતી.ત્રણેય લશ્કરી વડાઓની હાજરીમાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે દેશની સુરક્ષામાં વધારો કરવા આ સ્કીમ લાવવામાં આવી છે.આ સ્કીમ તાકીદની અસરથી અમલી બનશે અને તે લશ્કરી દળોની ત્રણેય પાંખમાં ભરતી માટે લાગુ પડશે.અગ્નિપથ સ્કીમ હેઠળ ભરતી થયેલા સૈનિકોને ગ્રેજ્યુઇટી કે પેન્શનના લાભ મળશે નહીં.અગ્નિવીરોને લશ્કરી દળોમાં કાયમી ભરતીની તક પણ ઓફર કરાશે.સૈનિકોની ભરતી માટે શારીરિક,મેડિકલ અને પ્રોફેશનલ ધોરણોમાં કોઇ સમાધાન કરાશે નહીં.

Share Now