મુંબઈ : મુંબઈ મહાનગર પાલિકાની કૂપર હોસ્પિટલમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો.એક તાલીમાર્થી ડોક્ટરે ખોટું ઇન્જેક્શન આપતા ૫૮ વર્ષીય મહિલાએ દ્રષ્ટિ ગુમાવી દીધી છે.મહિલાના પુત્રના આરોપ બાદ જુહુ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.અંધેરી (પૂર્વ)માં સહારગાવની રહેવાસી રમીલા વાઘેલાને થોડા દિવસથી મોતિયાની બીમારી હતી.મોતિયાના ઓપરેશન માટે તેને કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જોકે મહિલાના પુત્રએ આરોપ લગાવ્યો હતો કે ઓપરેશન દરમિયાન હોસ્પિટલના ટ્રેઇની ડોક્ટર દ્વારા આપવામાં આવેલા ખોટા ઇન્જેક્શન અને દવાને કારણે રમીલાએ તેની દ્રષ્ટિ ગુમાવી હતી.
આ બનાવની જાણ થતા શિવસેનાના નેતાએ હોસ્પિટલમાં પીડિત પરિવારની મુલાકાત લીધી હોવાનું કહેવાય છે.સંબંધિત દોષી ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માગણી તેમણે પોલીસ પાસે કરી હતી.આ ઘટના બાદ મહિલાના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.મહિલાને આપવામાં આવેલા ઇન્જેક્શનના નમૂના જપ્ત કરીને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.હોસ્પિટલ આ પ્રકરણની તપાસ કરી રહી છે. બેદરકારીનો આરોપ કરીને મહિલાના કુટુંબે પોલીસમાં ફરિયાદ કરી છે.