એજન્સી કોઈ કેસ વગર પણ રાહુલ ગાંધીની ધરપકડ કરી શકે છેઃ ભૂપેશ બઘેલ

144

નવી દિલ્હી : તા.15 જૂન 2022,બુધવાર : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જ્યાં સુધી ઈડી દ્વારા રાહુલ ગાંધીની પુછપરછ કરવામાં આવશે ત્યાં સુધી કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.વધુમાં કહ્યું હતું કે,દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને વધુ તેજ બનાવવામાં આવે તેવી પણ શક્યતા છે.મુખ્યમંત્રી બઘેલને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે,શું એજન્સી રાહુલ ગાંધીની ધરપકડ કરે તેવી કોઈ શક્યતા છે.તેના જવાબમાં બઘેલે કહ્યું હતું કે,’તેઓ કોઈ કેસ વગર પણ તેમની ધરપકડ કરી શકે છે.જોકે મને નથી લાગતું કે,તેમની ધરપકડ કરવામાં આવે કારણ કે એજન્સી પાસે તેમના વિરૂદ્ધ કોઈ જ પુરાવા નથી.તેઓ માત્ર તેમની પ્રતિષ્ઠાને ધૂળભેગી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.’

દિલ્હી ખાતે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનોમાં સામેલ થનારા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પૈકીના એક બઘેલે જણાવ્યું હતું કે,’તેમણે રાહુલ ગાંધીને હેરાન કરવા માટે તથા કોંગ્રેસને બદનામ કરવા માટે આ રણનીતિ અપનાવી છે.તમે રાહુલ ગાંધીને સતત કેન્દ્ર સરકારની ટીકા કરતા જોયા છે.કેન્દ્ર પાસે તેમના સવાલોના જવાબ નથી.માટે આ સ્થિતિમાં તેઓ રાહુલ ગાંધીને નિયંત્રિત કરવા માટે ઈડીનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે હું કહું છું કે,કોંગ્રેસ દબાશે પણ નહીં અને રાહુલ ગાંધી નમશે પણ નહીં.’

વિરોધ પ્રદર્શનો દરમિયાન દિલ્હી પોલીસની કાર્યવાહી અંગે બઘેલે જણાવ્યું કે,નેતાઓ સાથે મારપીટ કરવામાં આવી.એક મહિલા સાંસદને જમીન પર ઘસડવામાં આવી.એક વરિષ્ઠ નેતા સાથે મારપીટ કરવામાં આવી.સોમવારે પોલીસ પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ સાથે હાથાપાઈ કરતી જોવા મળી.વરિષ્છ નેતા પી ચિદંબરમની પાંસળી તૂટી ગઈ છે.અન્ય એક નેતા પ્રમોદ તિવારીને રસ્તા પર ધક્કો મારવામાં આવ્યો અને તેમને માથામાં ઈજા પહોંચી છે.ઉલ્લેખનીય છે કે,સોમવારે 10 કલાક સુધીની પુછપરછ બાદ બીજા દિવસે મંગળવારે પણ 10 કલાક સુધી રાહુલ ગાંધીની પુછપરછ કરવામાં આવી હતી.આ સમગ્ર કેસ નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંકળાયેલા એક કથિત મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલો છે.

Share Now