બારડોલીમાં દીપડાએ કોઢારમાં બેસી બકરાની મિજબાની માણી

144

બારડોલી : બારડોલીને અડીને આવેલા ખલી ગામે કેદારેશ્વર મહાદેવ મંદિરની સામેના ફળીયામાં દીપડાએ કોઢારમાં બેસીને જ બકરીનો શિકાર કરતા ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર ખલી ગામે રહેતા રાજુભાઇ રાઠોડ પશુપાલનનો વ્યવસાય કરે છે.રવિવારના રોજ તેઓ પરિવાર સાથે સોનગઢ ગયા હતા.વાડામાં બકરા બાંધેલા હતા.રાત્રીના સમયે એક દીપડો બકરાના કોઢારમાં ઘુસી ગયો હતો અને એક બકરીને ત્યાં જ ફાડી ખાઈ મજબાની કરી રવાના થઈ ગયો હતો.

સોમવારે રાત્રે પણ કેદારેશ્વર મંદિરની બાજુમાં આવેલ સ્મશાનની પાછળ દીપડો દેખાયો હતો.ભીખાભાઈ બહાર સુતા હતા ત્યારે દીપડો તેમની સામે આવી જતા તેઓ ગભરાઈને મંદિર તરફ જતા રહ્યા હતા. ત્યારબાદ મંદિરના પૂજારી મેહુલભાઈએ બારડોલીની ફ્રેન્ડ્સ ઓફ એનીમલ વેલ્ફેરની ટીમના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને આર.એફ.ઓ. સુધાબેન ચૌધરીને જાણ કરી પાંજરું મુકવા જણાવ્યું હતું.

Share Now