કડોદરા બેન્ક લૂટનો આરોપી હલધરું પહોંચ્યા બાદ ગાયબ, મોતા બેન્ક લૂટના આરોપી પણ હલધરું પહોંચ્યા બાદ ગાયબ થયા હતા

132

બારડોલી : સોમવારના રોજ સાંજે 4 વાગ્યાના અરસામાં કડોદરા ચાર રસ્તા ખાતે આવેલ સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેન્કની શાખામાં 6.84 લાખની લૂટની ઘટનામાં પોલીસ તપાસ દરમ્યાન આરોપી કામરેજ તાલુકાનાં હલધરું ગામની સીમમાં સાઇકલ મૂકી કપડાં બદલી ફરાર થઈ જવાની હકીકત બહાર આવી છે ત્યારે ગત 12 ઓક્ટોબર 2021 ના રોજ બારડોલીના મોતા ગામે ડિસ્ટ્રિક્ટ બેન્કમાં થયેલ 10.40 લાખની લૂટ પ્રકરણમાં પણ આરોપી હલધરું ગામ તરફ જ ભાગ્યા હતા.ત્યારે હવે આ મુદ્દો પણ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.

સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેન્કની કડોદરા શાખામાં 6.84 લાખની લૂટ પ્રકરણમાં પોલીસે સીસીટીવી કેમેરા તપાસતા એક પછી એક કેમેરાની તપાસ દરમ્યાન લૂટનો આરોપી બેન્કમાંથી નીકળ્યા બાદ કડોદરા ચામુંડા હોટલની સામેથી રિક્ષામાં બેસીને હલધરું પાટીયા ખાતે પહોંચ્યો હતો.અને ત્યાંથી અગાઉ રાખેલ સાઇકલ લઈ હલધરું ગામ તરફ ગયો હતો.અને ત્યાં એક શેરડીના ખેતર નજીક સાઇકલ ખેતરમાં ફેંકી ટીશર્ટ કાઢી નાંખી ત્યાં જ ફેંકી ફરાર થઈ ગયો હતો.હવે આ જગ્યાથી પોલીસને આગળની કડી હાલ પ્રાપ્ત થઈ નથી જોકે મહત્વની બાબત એ છે કે ગત 12 ઓક્ટોબર 2021ના રોજ બારડોલી તાલુકાનાં મોતા ગામે આવેલ સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેન્કની શાખામાંથી ત્રણ લુટારુઓએ એરગન જેવા હથિયારનો ઉપયોગ કરી 10.40 લાખની લૂટ ચલાવ્યા બાદ હલધરું તરફ જ ભાગી છૂટ્યા હતા.હલધરું ગામમાં ખેતરના આંતરિક રસ્તા ઉપર પલાયન થયા બાદ તેમની આગળની કડી મળી ન હતી.

કડોદરા લૂટનો આરોપી પણ હલધરું નજીક જ આવ્યા બાદ પોલીસની તપાસ અટકી ગઈ છે.આગળનો રૂટ ટ્રેક થઈ શક્યો નથી ત્યારે હવે પોલીસ તપાસનો આ મહત્વનો મુદ્દો ઉપસ્થિત થયો છે.બંને લૂટની ઘટનામાં એક જ આરોપીની સંડોવણી છે કે કેમ તે પણ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ હાલ લૂટની ઘટના બાદ આરોપીએ ભાગવામાં વપરાયેલી સાઇકલ કબ્જે લીધી છે.જે સાઇકલ નવી હોય જે અંગે તપાસ શરૂ કરી છે.

Share Now