મોતા સહકારી મંડળીનો દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ નહીં થતાં પ્રમુખ સહિત સમિતિના સભ્યોના રાજીનામાની માગ

129

બારડોલી : બારડોલી તાલુકાના મોતા ગામે આવેલી મોતા વિભાગ સેવા સહકારી મંડળીમાં નાખવામાં આવેલા દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટના વિરોધમાં સભાસદોએ પ્રમુખને આવેદનપત્ર આપી તમામ હોદ્દેદારો અને વ્યવસ્થાપક સમિતિના સભ્યોના રાજીનામાની માગ કરતાં ચકચાર મચી ગઈ છે.મોતા વિભાગ સેવા સહકારી મંડળી દ્વારા લાખો રૂપિયાના ખર્ચે દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો.પરંતુ હજી સુધી તે કાર્યરત થઈ શક્યો નથી. આથી સભાસદોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.બુધવારના રોજ મંડળીના સભાસદોએ લેખિતમાં પ્રમુખને આવેદનપત્ર આપ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મેનેજમેન્ટના અણઘડ વહીવટને કારણે મંડળી ગંભીર પરિસ્થિતીમાંથી પસાર થવું પડી રહ્યું છે.

જ્યારે પ્લાન્ટ નાખવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે સંસ્થાને આનાથી ફાયદો થશે કે નુકસાન,દૂધનો પુરવઠો ક્યાંથી મળી રહેશે વગેરે બાબતો અંગે પણ વિચાર કરીને જ હોદ્દેદારો અને વ્યવસ્થાપક સમિતિના સભ્યોએ નિર્ણય લીધો હશે.છતાં હજી સુધી પ્રોજેકટ ચાલુ થઈ શક્યો નથી સભાસદોએ એવો પણ પ્રશ્ન પૂછ્યો કે બાજુમાં આવેલી પલસાણા દૂધ મંડળી ગંગાધરાને આજુબાજુના 56 ગામોમાંથી 4500 લિટર દૂધ મળે છે તો સમિતિએ આ પ્લાન્ટ માટે 5000 લિટર દૂધ મળી રહેશે એવો અંદાજ કેવી રીતે લગાવ્યો? આ ઉપરાંત સને 2019-20 અને 2020-21માં મંડળીને ઓડિટમાં કોઈ પણ જાતનો ગ્રેડ મળ્યો નથી એનું કારણ દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ છે કે પછી પ્લાન્ટ નિર્માણમાં કોઈ પ્લાન્ટમાંથી નાણાંનો ઉપયોગ કરેલો છે કે બેન્ક પાસેથી ધિરાણ લીધેલું છે જેવા પ્રશ્નો પણ કરવામાં આવ્યા છે.આવેદનપત્રમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે મંડળી તેના સભાસદોના વિકાસ માટે છે.હોદ્દેદારોના આપખુદશાહી નિર્ણયથી સંસ્થાના સભાસદો અને મંડળીને થયેલા આર્થિક નુકસાનને ભરપાઈ કરવા પ્રમુખ,ઉપપ્રમુખ,મંત્રી તેમજ સમિતિના સભ્યો જવાબદારી સ્વીકારી રાજીનામા આપે તેવી માગ કરવામાં આવી છે.

Share Now