બારડોલી : બારડોલીની તેજસ્વિની અમૃતભાઈ પટેલે ભવન્સ કલ્ચરલ સેન્ટર,મુંબઈ ખાતે લેખિની આયોજિત મીનળ દીક્ષિત શીઘ્ર વકતૃત્વ સ્પર્ધામાં બીજો ક્રમાંક મેળવીને બારડોલીનું નામ ગુજરાત બહાર પણ રોશન કર્યું છે.શીઘ્ર વકતૃત્વ સ્પર્ધામાં તેણીને સાહિત્ય સર્જનમાં નારીનો સૂર વિષય પર વ્યકતવ્ય આપ્યું હતું.ચાર મિનિટમાં આપેલા આ વક્તવ્યમાં તેનો બીજો ક્રમાંક આવતા વરિષ્ઠ વિધવાન દિપકભાઈ મહેતાના હસ્તે પુરસ્કાર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા.આ અગાઉ યુનિવર્સિટી કક્ષાએ કાલિદાસ રચિત‘મેઘદૂત’વિશે વક્તવ્ય આપી તેણે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.
તેમની આ સિદ્ધિ બદલ કોલેજ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.તેણી બારડોલીની પી.આર.બી.આર્ટ્સ એન્ડ પી.જી.આર.કોમર્સ કોલેજની ટી.વાય.બી.એ.માં અભ્યાસ કરે છે.આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત આકાશવાણી,વડોદરા દ્વારા કોલેજમાં રેકોર્ડ થયેલ રેડિયો પર પ્રસારિત વકતૃત્વ સ્પર્ધામાં પણ તે પ્રથમ આવી હતી.યુવક મહોત્સવની કાવ્ય પઠન સ્પર્ધા હોય કે વાલોડ ખાતે યોજાયેલ વાંચન શિબિર હોય,નામ પ્રમાણે ગુણ ધરાવતી બહેન તેજસ્વિની પટેલ ખૂબ સારી વાચક અને વક્તા છે.વિષયમાં તે ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ બારડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ.વિક્રમ ચૌધરી અને સ્ટાફ પરિવારે વ્યક્ત કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે તેજસ્વીના પિતા ડૉ.અમૃતભાઈ પટેલ બારડોલીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અધિક્ષક ડોક્ટર તરીકે ફરજ બજાવે છે.