અમદાવાદ : ડિપ્લોમા એડમિશન કમિટી દ્વારા સર્ટિફિકેટ હોલ્ડર ઉમેદવારો માટે ડિપ્લોમામા પ્રવેશ માટેની કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે. જેમાં આ વખતે સર્ટિફિકેટ હોલ્ડર ઉમેદવારો તમામ ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે.અત્યાર સુધી સર્ટિફિકેટ હોલ્ડરને તેના સમાન અભ્યાસક્રમમાં જ પ્રવેશ મળતો હતો.આ વખતે સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા પ્રવેશ માટેની 33 હજાર કરતા વધુ બેઠકો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.જેમાં હાલમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી ચાલી રહી છે.આ કાર્યવાહી 18 જુન સુધી ચાલશે.ત્યારબાદ 1 જુલાઈથી એક્ચ્યુઅલ રાઉન્ડ માટેની કાર્યવાહી શરૂ થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર,સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલા તમામ વિદ્યાર્થીઓ પસંદગી મુજબના ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવી શકે તે માટે એડમિશન કમિટી દ્વારા પ્રવેશ કાર્યવાહી શરૂ કરી છે.સમગ્ર રાજ્યની સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા(C ટુ D)ની 33153 બેઠકો ઉપલબ્ધ છે.જેમાં સરકારીની 8384,અનુદાનિતની 253,ખાનગીની 24378 અને પીપીપીની 138 બેઠકો છે.આ બેઠકો માટે સર્ટિફિકેટ હોલ્ડરોને બીજા વર્ષમાં પ્રવેશ ફાળવવામાં આવશે.અત્યાર સુધી સર્ટિફિકેટ હોલ્ડરને ડિપ્લોમામા સમાન અભ્યાસક્રમમાં જ પ્રવેશ મળતો હતો.પરંતુ આ વખતથી સર્ટિફિકેટ હોલ્ડર ઉમેદવાર તમામ ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લાયક ગણાશે.
ગતવર્ષે C ટુ Dની 34066 બેઠકો હતી.જેમાંથી માંડ 3 હજાર બેઠકો પર જ પ્રવેશ ફાળવાયા હતા.જ્યારે આ વખતે 33153 બેઠકો છે.જેની સામે 5થી 7 હજાર જેટલા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.હાલમાં C ટુ D માટે રજિસ્ટ્રેશનની કાર્યવાહી ચાલી રહી છે.જે 18 જૂન સુધી ચાલશે.ત્યારબાદ 24 જુનના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.24 જૂનથી 28 જુન સુધી મોક રાઉન્ડ માટે ચોઈસ ફિલીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ત્યારબાદ 1 જુલાઈના રોજ મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરાશે.1 જુલાઈના રોજ ફાઈનલ મેરિટ લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવશે.1 જુલાઈથી 5 જુલાઈ સુધી પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફિલીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ત્યારબાદ 8 જુલાઈના રોજ પ્રથમ પ્રવેશનો રાઉન્ડ જાહેર કરવામાં આવશે.આ વખતે પણ C ટુ Dમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડવાની શક્યતા સેવાઈ રહી છે.દરવર્ષે સરેરાશ 10 ટકા જ બેઠકો ભરાતી હોય છે.પરંતુ આ વખતે વિદ્યાર્થીઓ ડિપ્લોમાની ગમે તે બ્રાન્ચમાં પ્રવેશ મેળવી શકે તેમ હોવાથી પ્રવેશની ટકાવારીમાં વધારો થશે.