પેટ્રોલિયમ મંત્રાલયે ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની તંગી અંગે કરી સ્પષ્ટતા

122

નવી દિલ્હી : તા.16 જૂન 2022, ગુરૂવાર : ઉલ્લેખનીય છે કે,છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ગુજરાત, પંજાબ અને હિમાચલ પ્રદેશના વિવિધ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની તંગીના સમાચારો સામે આવી રહ્યા છે.અનેક રાજ્યોમાં પાકની વાવણી સહિતની અન્ય કૃષિલક્ષી ગતિવિધિઓના કારણે ડીઝલની ડીમાન્ડ વધી છે.બીજી બાજુ ડીઝલની જથ્થાબંધ કિંમતો વધારે હોવાના કારણે પેટ્રોલ પંપો પર બોજ વધ્યો છે.આ કારણે જે નુકસાન થઈ રહ્યું છે તેનાથી બચવા માટે ખાનગી કંપનીઓ વેચાણમાં કાપ મુકી રહી છે.

ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપો પર ડીઝલ કે પેટ્રોલની કોઈ તંગી નથી પરંતુ ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ સાથે સંકળાયેલા પેટ્રોલ પંપો પર પુરવઠામાં સમસ્યા નોંધાઈ રહી છે.ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકોના કહેવા પ્રમાણે દેશમાં ડીમાન્ડ સામે પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે પરંતુ સ્થાનિક સ્તરે પરિવહન સંબંધી મુશ્કેલીઓના કારણે કામચલાઉ તંગી સર્જાઈ છે.આ ઉપરાંત અનેક રાજ્યોમાં સ્થાનિક ચૂંટણીલક્ષી ગતિવિધિઓના કારણે પણ ડીમાન્ડ વધી છે.આ મામલે સરકારના કહેવા પ્રમાણે ખાનગી કંપનીઓએ વેચાણમાં કાપ મુક્યો હોવાના કારણે સાર્વજનિક ક્ષેત્રની ઓઈલ કંપનીઓ(PSU) સાથે સંકળાયેલા પેટ્રોલ પંપો પરનું દબાણ વધ્યું છે.આ કારણે અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલની તંગી જોવા મળી રહી છે.પેટ્રોલિયમ મંત્રાલયના કહેવા પ્રમાણે વધારાની ડીમાન્ડને પૂરી કરવા માટે પૂરતા પ્રમાણમાં પુરવઠો મોકલવામાં આવી રહ્યો છે.

Share Now