મુંબઈ : આ મહિનાની શરૃઆતમાં રાજ્યભરમાં કોવિડના કેસોમાં આવેલા ઉછાળાના પરિણામેે ૧૨મી જૂન સુધીમાં ૨૨,૪૧૦ દરદીઓને ચેપ લાગ્યો છે.આ સંખ્યા ગયા મહિનામાં આ સમય દરમ્યાન નોંધાયેલા ૯,૮૧૫ કેસ કરતા બમણાથી વધુ છે છતાં ૧લી જૂનથી ૧૨મી જૂન સુધી મૃતક દર માત્ર ૦.૦૪ ટકા રહ્યો છે જ્યારે મે મહિનામાં તે ૦.૧૮ ટકા હતો.ચેપની ગંભીરતા ઓછી હોવાને કારણે મોટાભાગના દરદીઓ ઘેર રહીને જ બેથી ત્રણ દિવસમાં રિકવર થઈ રહ્યા છે જેના કારણે રાજ્યમાં ઘરમાં ક્વોરન્ટાઈન થયેલા દરદીઓની સંખ્યા વધીને ૧.૨૧ લાખ થઈ છે.૧લી જૂનથી ૧૨મી જૂન સુધીમાં સંક્રમિત થયેલા ૨૨,૪૧૦ દરદીઓ પૈકી ૧૦ દરદીઓના મોત થયા છે.
રાજ્યમાં કોવિડને કારણે મૃતકોની સંખ્યા ખૂબ જ ઓછી રહી છે.મોટાભાગના મોત વયસ્ક દરદીઓના છે જેમને અગાઉથી બીજી બીમારી હતી એવી માહિતી કોવિડથી થતા મોત બાબતે નિમાયેલી કમિટીના ઈન-ચાર્જ ડો.અવિનાશ સુપેએ આપી.રાજ્યના ડાટા મુજબ મહામારી શરૃ થઈ ત્યારથી મોટાભાગના મોત ૭૧થી ૮૦ વર્ષના વય જૂથમાં નોંધાયા છે.ડોકટરોના દાવા મુજબ ભારતના કેટલાક શહેરોમાં તાજેતરના અહેવાલ મુજબ નવા ઓમિક્રોન વેરિયન્ટની હાજરી જણાઈ છે જે ચિંતાનુ કારણ નથી.ગંભીરતા ઓછી હોવાને કારણે મોટાભાગના દરદીઓને અગાઉની લહેરમાં પડી હતી તેમ સ્ટેરોઈડ્સ અથવા રેમડેસિવીરની પણ જરૃર નથી પડતી.મુંબઈની એક હોસ્પિટલના એક અગ્રણી ડોકટરે જણાવ્યું કે નવા દરદીઓ ૪૮થી ૭૨ કલાકમાં સાજા થઈ રહ્યા છે.લગભગ કોઈને પણ રેમેડેસિવીર અથવા ઈમ્યુનોથેરપીની જરૃર નથી પડી. તેમનામાં કોઈ મહત્વના કોમ્પિલિકેશન નથી જણાયા.એનો અર્થ એવો પણ કરી શકાય કે વેક્સિનેશનનો લાભ ચોક્કસ થયો છે.
હાલ થઈ રહેલા સંક્રમણના સર્વસામાન્ય લક્ષણો છે તાવ અને ઝાડા અથવા પેટમાં ચૂંક આવવી.ખાંસી અને સૂંઘવાની શક્તિ ચાલી જવાના કિસ્સા હવે ઓછા બન્યા છે.મહત્વનું છે કે આ લક્ષણો ત્રણ દિવસથી વધુ નથી ચાલતા એવી માહિતી ડોકટરોએ આપી છે.શહેરના આરોગ્ય નિષ્ણાંતોએ જણાવ્યું છે કે બ્લેક ફંગસ અથવા વધુ ચેપના કોઈ કેસ મળ્યા નથી જે પહેલી અને બીજી લહેરમાં રેમડેસિવીર જેવી એડ્વાન્સ્ડ વાઈરલ દવાઓ અને સ્ટેરોઈડ્સના વધુ પડતા ઉપયોગથી વધુ પ્રમાણમાં જણાયા હતા.જો કે આ વખતે ચેપ વધુ પ્રમાણમાં ફેલાયો છે અને પ્રવાસ કરતા યુવાનો પણ સંક્રમિત થઈ રહ્યા છે.પણ કેસ વધવા છતાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર અત્યંત ઓછો છે એવી માહિતી ડોકટરોએ આપી છે.