પયગંબર વિવાદમાં IS-Kએ મોકો મળતા જ ભારત પર હુમલો કરવાની ધમકી આપી

124

નવી િદલ્હી : અફઘાનિસ્તાનના ઈસ્લામિક સ્ટેટ્સ ખોરાસન(IS-K)એ ભારતમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી છે.આ ધમકી IS-Kએ તેના અલઆઝમ ફાઉન્ડેશન પર એક ન્યૂઝ બુલેટિનમાં જારી કરી હતી.IS-K એ બે ન્યૂઝ બુલેટિન જારી કર્યા હતા,જેમાં પ્રથમ બુલેટિનમાં ભારત માટે ધમકીભર્યો સંદેશ અપાયો છે.

પહેલા બુલેટિનમાં એક વીડિયોમાં ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને બતાવવામાં આવ્યા છે.ગયા અઠવાડિયે દેશના અલગ-અલગ શહેરોમાં શુક્રવારની નમાજ બાદ હિંસા ફાટી નીકળી હતી.અને દેશમાં છેલ્લા કેટલાક રમખાણોમાં સંડોવાયેલા લોકોના ઘરો પર બુલડોઝર દોડતા પણ દર્શાવવામાં આવ્યા છે.વીડિયોમાં IS-Kમાં સામેલ ભારતીય ઉગ્રવાદીઓના ઉશ્કેરણીજનક નિવેદનો પણ છે.IS-Kના વીડિયોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ છે.તેણે અફઘાનિસ્તાનમાં લઘુમતી શીખો અને ભારતમાં મોટા પાયે હુમલા કરવાની ધમકી આપી હતી.

પોતાના વીડિયોમાં IS-Kએ તાલિબાનની પણ નિંદા કરી છે.IS-K એ તાલિબાન શાસનના કાર્યકારી સંરક્ષણ પ્રધાન મુલ્લા યાકુબની એક ભારતીય ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યુ આપવા બદલ નિંદા કરી હતી.વધુમાં તેણે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રીની ભારતીય અધિકારીઓ સાથેની બેઠક પણ અયોગ્ય હતી.ગયા અઠવાડિયે આતંકવાદી સંગઠન અલ કાયદાએ પણ ભારતમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપતો સંદેશ જારી કર્યો હતો.અલ કાયદાએ દિલ્હી,મુંબઈ,ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં બોમ્બ ધડાકા કરીને પયગંબર પરની કથિત ટિપ્પણીનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી.

Share Now