સુરત : સુરત જિલ્લામાં આજે મેઘરાજાનું આગમન થતા દિવસના આઠ કલાકમાં કામરેજમાં 2.5 ઇંચ,પલસાણામાં 1.5 ઇંચ સહિત પાંચ તાલુકામાં વરસાદ વરસતા ખેડુતોમાં ખુશીનું મૌજુ ફરી વળ્યુ હતુ.સુરત શહેરમાં સવારે વરસાદ બાદ આખો દિવસ તાપ પડયો હતો.
ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ સુરત જિલ્લાના ખેડુતો મેઘરાજાની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.આ રાહ વચ્ચે આજે સવારે છ વાગ્યાથી જ સુરત જિલ્લામાં વરસાદ શરૃ થયો હતો.સવારે આઠ વાગ્યા થી કામરેજ,પલસાણા,બારડોલી,મહુવામાં સતત વરસાદ વરસી રહ્યો હતો.જેમાં કામરેજ તાલુકામાં તો સવારના ચાર કલાકમાં 1 ઇંચ,બપોરે 12 થી 2 માં દોઢ ઇંચ અને બે થી ચારમાં છુટોછવાયો વરસાદ મળીને કુલ 2.5 ઇંચ વરસાદી પાણી પડતા પાણીની રેલમછેલ થઇ હતી.સાથે જ આખો દિવસ વાદળીયુ હવામાન નોંધાતા ઠંડક પ્રસરતા ગરમીથી છુટકારો મળ્યો હતો.
પલસાણામાં 1.5 ઇંચ,બારડોલી અને મહુવામાં અડધો ઇંચ વરસાદી પાણી પડયુ હતુ.જયારે બાકીના તાલુકામાં વરસાદની એન્ટ્રી થઇ ના હતી.સુરત શહેરમાં પણ છેલ્લા ત્રણેક દિવસથી જે વાતાવરણ જોવા મળી રહ્યુ છે.સવારે વરસાદ બપોરે તાપ તે આજે પણ જોવા મળ્યુ હતુ.સવારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટા નોંધાયા હતા.સાથે જ દિવસ દરમ્યાન 3 મિ.મિ વરસાદ નોંધાયો હતો.આજના વરસાદ સાથે જ સુરત જિલ્લાનો મૌસમનો કુલ વરસાદ 231 મિ.મિ નોંધાયો છે.