રીંગરોડની અન્નપૂર્ણા માર્કેટમાં ત્રણ દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી

128

સુરત : રીંગ રોડ ખાતે આવેલી અન્નપૂર્ણા ટેક્સટાઇલ માર્કેટમાં આજે સવારે કપડાની એક દુકાનમાં લાગેલી આગે બાજુની બીજી બે દુકાનો લપેટમાં આવી હતી.જોકે માર્કેટ ચાલુ હોવાથી ત્યાં ભારે ભાગદોડ થઇ થઇ જવા પામી હતી.અને સ્થળ પર લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ રીંગરોડ પર મીલેનીયમ માર્કેટ પાસે આવેલી અન્નપૂર્ણા માર્કેટમાં કપડાની એક દુકાન આજે સવારે અચાનક આગ ભભુકી ઉઠી હતી.જોકે સાડી અને કાપડના જથ્થાના લીધે જોત જોતામાં અન્ય બે દુકાન પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી.આગના લીધે ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંડયા હતા.જોકે માર્કેટ ચાલુ હોવાથી ત્યાં હાજર લોકોમાં નાશભાગ મચી ગઈ હતી.

આ અંગે જાણ થતા માનદરવાજા,ઘાંચીશેરી,મજુરા ગેટ,ડુંભાલ,નવસારી બજાર ફાયર સ્ટેશનની નવ ગાડીઓ સાથે ફાયર અધિકારી ઇશ્વરભાઇ પટેલ સહિતના ઓફિસર અને ફાયરના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.દુકાન માંથી ધુમાડો વધુ પ્રમાણમાં નીકળતો હોવાથી બ્લોવર મશીન વેડ ધુમાડો કાઢતા હતા.અને ઓકસીજન માસ્ક પહેરીને ૬ ફાયરજવાનો દુકાનની અંદર જઇને પાણીનો છંટાવ કરતા હતા.જોકે ફાયરજવાનો ભારે જહેમત ઉઠાવતા અઢી કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે આગના લીધે સાડીઓ તેમજ કાપડનો જથ્થો,ફર્નીચર,વાયરીંગ,એ.સી,કોમ્પ્યુટર સહિતની ચીજવસ્તુઓ બળી ગઇ હતી.આ બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ ન હોવાનું ફાયર ઓફિસર મહેશ પટેલ કહ્યુ હતુ.

રીંગ રોડની માર્કેટમાં આગની ઘટના પગલે તે રોડ પર લોકોની ભારે ભીડ થઇ જવાથી ભારે ટ્રાફિક જામ થઇ હતુ.આવી પરિસ્થિતિઓ વચ્ચે ટ્રાફિક જામ થવાને કારણે ફાયર બ્રિગડેના વાહનો પણ ઘટના સ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓ પડી હોવાનું સુત્રો જણાવ્યુ હતુ.

Share Now