મુંબઈ : મહારાષ્ટ્રના નાગપુરમાં એક વ્યક્તિ ત્યારે આશ્ચર્યમાં પડી ગઈ જ્યારે તેણે એક એટીએમમાંથી ૫૦૦ રુપિયા કઢાવવાની કોશિશ કરી તો સીધી ૫૦૦ની પાંચ નોટ મશીનમાંથી બહાર આવી.આ વાત ફેલાતાં જ લોકોમાં એટીએમમાંથી પૈસાં કઢાવવા હોડ જામી ગઈ.
જોકે એ વ્યક્તિએ ફરી ૫૦૦ રુપિયા કઢાવવા પ્રક્રિયા કરી તો તેને ફરી અઢી હજાર રુપિયા મળ્યાં.આ ઘટના બુધવારે નાગપુર શહેરથી લગભગ ૩૦ કિમી દૂર ખાપરખેડા શહેરના એક ખાનગી એટીએમમાં બની હતી.આ વાત શહેરમાં વાયુવેગે ફેલાતાં એટીએમ સેન્ટરની બહાર લોકોની પૈસાં કઢાવવા માટે લાઈન લાગી ગઈ.
ખાપરખેડા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે,એક બેન્ક ગ્રાહકે સ્થાનિક પોલીસ સ્ટેશનને આ બાબતે જાણ કરતાં સમયસર પોલીસ પહોંચી ગઈ અને એટીએમ સેન્ટર બંધ કરી બેન્ક અધિકારીઓને ઘટનાની જાણ કરી હતી.તેમણે કહ્યું કે ટેક્નિકલ ખામીને કારણે બેન્કમાંથી વધારાની નોટ નીકળી રહી હતી. ૫૦૦ રુપિયાની નોટ ભૂલમાં ૧૦૦ રુપિયા વાળી ટ્રેમાં મૂકાઈ ગઈ હતી એથી આવું બન્યું હશે.આ બાબતે હજી કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હોવાની પણ માહિતી મળી છે.