અગ્નિપથનો વિરોધ : ટ્રેનો આગને હવાલે, ઠેર ઠેર પથ્થરમારો-ટ્રાફિક જામ

129

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે યુવાનોને સૈન્યમાં આકર્ષવા માટે રજૂ કરેલી નવી અગ્નિપથ યોજના જાહેરાતની સાથે જ વિરોધના વંટોળમાં ફસાઈ છે. કેન્દ્રની જાહેરાતના પછી બિહારમાં શરૂ થયેલો વિરોધ ગુરુવારે હરિયાણા,મધ્ય પ્રદેશ,રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં ફેલાયો હતો.બિહારમાં વિરોધે હિંસકરૂપ ધારણ કર્યું હતું,જ્યાં દેખાવકારોએ કેટલીક ટ્રેનોને આગને હવાલે કરી દીધી હતી.આથી બિહારમાં ૨૨ ટ્રેનો રજ કરાઈ છે.હરિયાણાના પલવાલમાં પોલીસની પાંચ ગાડીઓ સળગાવી દેવાઈ હતી અને ડીસી ઓફિસ તથા આવાસ પર પથ્થમારો થયો હતો.રાજસ્થાનમાં દેખાવકારોએ દિલ્હી-જયપુર હાઈવે જામ કરી દીધો છે. મધ્ય પ્રદેશમાં પણ આ યોજના વિરુદ્ધ દેખાવો થયા હતા.

કેન્દ્ર સરકારે બે દિવસ પહેલાં જ રજૂ કરેલી સૈન્યની ભરતી યોજના વિરુદ્ધ દેશના અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા.આર્મી,નેવી અને એરફોર્સમાં ભરતી માટે સરકારની નવી યોજના’અગ્નિપથ’ના વિરોધમાં યુવાનોએ બિહારમાં હિંસક દેખાવો કર્યા હતા.કેન્દ્ર સરકાર દ્વારા મંગળવારે રજૂ કરાયેલી આ યોજના સામે બુધવારે બિહારમાં દેખાવો થયા હતા અને ગુરુવારે આ દેખાવો ઉત્તર પ્રદેશ,હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સુધી પહોંચી ગયા છે.બિહાર અને ઉત્તર પ્રદેશમાં કેટલાક જિલ્લાઓમાં આગ લગાવાયાની ઘટના પણ સામે આવી છે.

કેન્દ્રની આ યોજનાનો સૌથી વધુ વિરોધ બિહારમાં જોવા મળ્યો છે.આ દેખાવોમાં સામેલ થયેલા યુવાનોએ કેટલીક ટ્રેનોમાં આગ લગાવી દીધી હતી.દેખાવકારોએ દિલ્હી-હાવડા મુખ્ય રેલવે લાઈનના બક્સર અને આરા સ્ટેશનો પર પણ ભારે તોડફોડ કરી હતી અને રેલવેની સંપત્તિને નુકસાન પહોંચાડયું હતું.તેમણે કેટલીક ટ્રેનોને પણ આગ લગાવી દીધી હતી.બિહારમાં સરકારે ૨૨ ટ્રેનો રદ કરી દીધી હતી અને અન્ય ટ્રેનો ખોરવાઈ હતી.હરિયાણામાં પણ આ યોજનાના વિરોધમાં મોટી સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે.યુવાનોએ અનેક જગ્યાએ હાઈવે પર ટ્રાફિક જામ કરી દીધો હતો અને ત્યાર પછી બસોને પણ અટકાવી દેવાઈ હતી.વધુમાં હરિયાણામાં ગુરુગ્રામ,રેવારી અને પલવાલમાં સેંકડો યુવાનોએ દેખાવો કર્યા હતા.પલવલમાં ડીસીની ઓફિસ અને નિવાસ પર દેખાવકારોએ પથ્થરમારો કર્યો હતો.

યુવાનોએ પોલીસની પાંચ ગાડીઓ પણ સળગાવી દીધી હતી. તેમણે નેશનલ હાઈવે પણ બ્લોક કરી દીધો હતો. પરિણામે પોલીસે લાઠીચાર્જ કરી ટોળાને વિખેરવું પડયું હતું.દરમિયાન ટોળાએ ડીસીની ઓફિસ પર પણ પથ્થરમારો કર્યો હતો.આ ઘટનાને પગલે જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરી દેવાઈ છે અને મોબાઈલ ઈન્ટરનેટ સુવિધા બંધ કરી દેવાઈ છે.એ જ રીતે ફરિદાબાદમાં પણ મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે.પોલીસે હિંસા આચરનારાની શોધ અને કાર્યવાહી શરૂ કરી છે.આ સંદર્ભમાં બે એફઆઈઆર પણ નોંધાઈ છે.આ હિંસાની તપાસ માટે બે એસઆઈટીની રચના કરાઈ છે.

રાજસ્થાનમાં પણ કેન્દ્રની આ યોજનાનો ભારે વિરોધ શરૂ થયો છે.ગુરુવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.તેમણે દુકાનોમાં તોડફોડ કરવાની સાથે સરકારી સંપત્તિને પણ ભારે નુકસાન પહોંચાડયું હતું.રાજસ્થાનમાં દેખાવકારોએ ૨૦મી જૂને દિલ્હી કૂચ કરીને જંતર-મંતર પર આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી છે.અગ્નિપથ યોજનાના વિરોધમાં ઉત્તર પ્રદેશમાં પણ અનેક જગ્યાએ દેખાવો થયા હતા.કેન્દ્રની અગ્નિપથ યોજના સામે દેશભરમાં યુવાનોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે વિપક્ષે પણ સરકાર પર હુમલો કરવાની તક ઝડપી લીધી છે.વિપક્ષે એક સૂરમાં સરકારને આ યોજના પાછી ખેંચી લેવા હાકલ કરી છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને દેશના યુવાનોની ધીરજની પરિક્ષા નહીં લેવા વિનંતી કરી છે જ્યારે અખિલેશ યાદવે આ યોજનાને દેશના ભવિષ્ય માટે ઘાતક ગણાવી છે.

સૈન્યમાં ભરતી માટે અગ્નિપથ યોજના અંગે દેશભરમાં મચેલા હોબાળા વચ્ચે સરકારી વિભાગોમાં ચર્ચા ચાલી રહી છે કે અગ્નિપથ યોજના હેઠળ સૈન્યની રેજિમેન્ટલ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરાયો નથી.સરકારી સૂત્રોએ જણાવ્યું કે,અગ્નિપથ યોજના લાગુ થવાના પહેલા વર્ષમાં ભરતી થનારા સૈનિકોની સંખ્યા પણ માત્ર ત્રણ ટકા જ હશે.રેજિમેન્ટલ સિસ્ટમમાં કોઈ ફેરપાર કરાયો નથી.હકીકતમાં સર્વશ્રેષ્ઠ અગ્નિવીરની પસંદગી કરાશે.આવી વ્યવસ્થા અન્ય દેશોમાં હયાત છે,તેથી અગાઉ પણ તેની ચકાસણી થઈ ગઈ છે.

Share Now