બારડોલી : બારડોલી આર.ટી.ઑ.ઓફિસની બાજુમાં રહેતા બે પરિવાર વચ્ચે કચરાના ઢગ બાબતે થયેલા ઝઘડામાં એક યુવકને માથા અને કાનના ભાગે ઇજા થતાં સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીની આર.ટી.ઑ. કચેરીની બાજુમાં રહેતા કંચનબેન રમણભાઈ મૈસુરિયા(ઉ.વર્ષ 70)પોતાના પુત્ર હરીશભાઇ સાથે રહે છે.હરીશ છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગત 15મી જૂનના રોજ કંચનબેન તેમના પુત્ર હરીશભાઇ સાથે વ્યારા મરણ પ્રસંગમાં ગયા હતા.ત્યાંથી સાંજે પાંચ વાગ્યે પરત ફર્યા હતા.ત્યારે તેમના ઘરના આંગણામાં ઝાડપાનના ઢગલા હોય આ બાબતે બાજુમાં રહેતા સરફરાઝની પત્નીને પૂછતાછ કરી હતી.પરંતુ સરફરાઝની પત્નીએ તેમણે આવું કર્યું ન હોવાનો જવાબ આપ્યો હતો.થોડીવાર બાદ સરફરાઝ ઘરે આવતા તેણે હરીશ સાથે ગાળાગાળી શરૂ કરી હતી.આથી હરીશ બહાર આવતા સરફરાઝે તેના હાથમાંના લાકડા વડે માથામાં અને કાનમાં સપાટા મારતા હરીશ લોહીલુહાણ થઈ ગયો હતો.હરીશ નીચે પડી જતાં સરફરાઝ હવે પછી તુએ અમારી સાથે મગજમારી કરી છે તો તને મારી નાંખીશ એવી ધમકી આપી નાસી છૂટ્યો હતો.ઘટના બાદ હરીશ અને તેની માતા તાત્કાલિક બારડોલી પોલીસ મથક પહોંચ્યા હતા અને ત્યાંથી તેને બારડોલીની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ સરદાર સ્મારક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.પોલીસે હરીશની માતા કંચનબેન રમણભાઈ મૈસુરિયાની ફરિયાદના આધારે સરફરાઝ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.