વોશિંગ્ટન : અમેરિકામાં ઉનાળુ વેકેશનની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ગુરુવારનો દિવસ મુસાફરો માટે બહુ જ ખરાબ રહ્યો હતો.એરલાઇન્સે એક જ દિવસમાં ૧,૫૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી. ટ્રેકિંગ સર્વિસ ફ્લાઇટઅવેરના જણાવ્યા અનુસાર ન્યૂ યોર્કના લાગાર્ડિયા એરપોર્ટ ખાતે ૨૫ ટકા ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.ઉલ્લેખનીય છે કે,લગભગ ત્રણ સપ્તાહ પહેલાં એરલાઇન્સે ઉનાળુ ટ્રાવેલ સીઝનની શરૂઆત કરી હતી અને ‘મેમોરિયલ ડે’ની રજાના વીકેન્ડની આસપાસ પાંચ દિવસમાં લગભગ ૨,૮૦૦ ફ્લાઇટ્સ રદ કરી હતી.
ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી પીટ બુટ્ટીગિગે વિવિધ એરલાઇન્સના સીઇઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી.બેઠકમાં બાઇડેન સરકારના પ્રતિનિધીએ એરલાઇન્સ સમક્ષ એરપોર્ટ્સ પર અંધાધૂંધી અને નાખુશ મુસાફરો અંગે નારાજગી વ્યક્ત કરી હતી.બુટ્ટીગિગે જણાવ્યું હતું કે,“મેં તેમને જણાવ્યું હતું કે આવા સમયે જ અમે તેમની પાસે મુસાફરોને ભરોસાપાત્ર સેવા આપવાની આશા રાખીએ છીએ.”તેમણે એરલાઇન્સના CEOs પાસે ૪ જુલાઇની રજા વખતે અને ઉનાળાની બાકીની રજાઓમાં મુસાફરોને મુશ્કેલી ન પડે એ માટે લેવામાં આવનારા પગલાંની વિગત માંગી હતી.એરલાઇન્સ ઓફ અમેરિકાના ટ્રેડ ગ્રૂપના વડા નિકોલસ કેલિયોએ જણાવ્યું હતું કે,“ઉદ્યોગના અધિકારીઓએ તમામ મુસાફરોની સુરક્ષા અને સલામતી અંગે કટિબદ્ધતાને દોહરાવી હતી.”