સુરત : સુરતના જહાંગીરપુરાની પાલ કોટન મંડળીના રૂ.27.77 કરોડના પેમેન્ટ મુદ્દે નોંધાયેલા ઠગાઈના ગુનામાં આગોતરા જામીન નામંજૂર થતા નાસતા ફરતા નવસારી સુપાના પૌઆ મિલના માલિકને આર્થિક ગુના નિવારણ શાખાએ ગત મધરાતે તેમના ઘરની અગાસીમાંથી ઝડપી લીધા હતા.પોલીસ તેમને પકડવા ઘરે પહોંચી ત્યારે તે અગાસીમાં સંતાઈ ગયા હતા અને પરિવારે દરવાજો નહીં ખોલતા પોલીસે બહારથી અગાસીમાં ચઢી તેમને પકડયા હતા.
આર્થિક ગુના નિવારણ શાખાના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના જહાંગીરપુરાની પાલ કોટન મંડળી પાસેથી ટુકડે ટુકડે ત્રણ વર્ષમાં કરોડો રૃપિયાનું ડાંગર ખરીદયા બાદ બાકી નિકળતી રકમ રૂ.27.77 કરોડ ચૂકવવા માટે વાયદા કરનાર મંડળીના ભૂતપૂર્વ ચેરમેન અને નવસારી સુપાના પૌઆ મિલના માલિક દંપત્તિ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.આ ગુનામાં સવા મહિના અગાઉ મંડળીના ભુતપૂર્વ ચેરમેન જયેશભાઇ શંકરભાઇ પટેલ(પાલ)અને પૌઆ મિલના મહિલા માલિક મોનાબેન પ્રજ્ઞેશભાઈ નાયક આગોતરા જામીન સાથે હાજર થતા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ જામીન મુક્ત કર્યા હતા.જયારે શ્રી સાંઈ હસ્તી પ્રોડક્ટ લી ના માલિક પ્રજ્ઞેશભાઈ રમેશચંદ્ર નાયક(ઉ.વ.45,રહે.સુપા(કુરેલ),બારડોલી રોડ,નવસારી)એ આગોતરા જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
જોકે,પ્રજ્ઞેશભાઈ હાઇકોર્ટની રૂ.15 કરોડ ભરવાની શરત મુજબ પૈસા ભરવા તૈયાર નહીં થતા તેમના આગોતરા જામીન નામંજૂર થયા હતા અને ત્યારથી તે નાસતા ફરતા હતા.દરમિયાન,પીએસઆઈ સાગર પ્રધાન અને ટીમને હકીકત મળી હતી કે તે પોતાના ઘરે જ છે.આથી પોલીસ ગત મધરાતે તેમને પકડવા ઘરે પહોંચી હતી.પોલીસે તેમની પૌઆ મિલ અને ઘર બંને સ્થળને કોર્ડન કરી તેમના ઘરે દરવાજો ખટખટાવતા કોઈએ દરવાજો ખોલ્યો નહોતો અને પ્રજ્ઞેશભાઈ અગાસીમાં જઈને સંતાઈ ગયા હતા.આ અંગે જાણ થતા પોલીસનો એક જવાન બાજુના નળીયાવાળા મકાન મારફતે ઉપર ચઢી સાત ફૂટની દિવાલ પર ચઢી અગાસીમાં પહોંચ્યો હતો અને ત્યાં ઉપરની નાની અગાસીમાં સંતાયેલા પ્રજ્ઞેશભાઈને પકડી લીધા હતા.