બારડોલીના બિલ્ડર નિતિન રાણા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો

146

બારડોલી : બારડોલીના બિલ્ડર નિતિન રાણાએ ગાંધી રોડ પર આવેલ જય કેસરકુંજ રેસિડેન્સીનો એક જ પ્લોટ બે વખત વેચી મૂળ ખરીદનાર સાથે છેતરપિંડી કરતાં બારડોલી ટાઉન પોલીસમાં તેમની સામે જમીન પચાવી પાડવા બાબતે ગુનો નોંધાયો છે.આ અંગે મળતી માહિતી અનુસાર સુરતના નાનીવેડ કરાડા,ગુરુકુળ સ્વામિનારાયણ મંદિરની પાછળ રહેતા હર્ષદભાઈ ઈશ્વરભાઈ પટેલ(ઉ.વર્ષ 41) સાયણના ક્રિષ્નાનગર ખાતે કાપડનું કારખાનું ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

વર્ષ 2014માં બિલ્ડર નિતિનભાઈ ગોપળભાઈ રાણા(રહે,એ/47,48 ભૂલાભાઈ દેસાઇ પાર્ક સોસાયટી,કતારગામ સુરત)પાસેથી બારડોલી ખાતે આવેલા તેમના જય કેસરકુંજ રેસિડેન્સીના પ્રોજેકટમાંથી પ્લોટ નંબર બી/185/બી વાળો પ્લોટ (જેનું ક્ષેત્રફળ 77.66 ચોરસ મીટર) ખરીદ્યો હતો.જેની જંત્રી મુજબની કિંમત રૂ.3 લાખ 49 હજાર 500 રૂપિયા થતી હોય જે રકમ નિતિન રાણાને રોકડેથી ચૂકવી દીધા હતા.આથી નિતિનભાઈ રાણાએ હર્ષદભાઈના નામથી વેચાણ દસ્તાવેજ બનાવી બારડોલી સબ રજીસ્ટ્રાર કચેરીએ તેની નોંધણી કરાવી હતી.પ્લોટ સ્વતંત્ર માલિકીનો બનતા હર્ષદભાઈએ નિતિન રાણા સાથે થયેલા કરારના આધારે મકાનનું બાંધકામ કર્યું હતું.

પરંતુ કામકાજ સુરત શહેરમાં હોય તેઓ અહી રહેવા આવ્યા ન હોય મકાન બંધ હાલતમાં હતું.દરમ્યાન હર્ષદભાઈ આ મકાન વેચવા માગતા હોય 9/12/2021ના રોજ ઉપરોક્ત પ્લોટ નંબરનો સર્ચ રિપોર્ટ કઢાવતા જાણવા મળ્યું હતું કે,આ પ્લોટ નિતિન રાણાએ તેમની જાણ બહાર બારડોલી તાલુકાના મોતા ગામના રહેવાસી મહેન્દ્રભાઈ બાબુભાઈ પટેલના નામથી વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે.આ અંગે નિતિનભાઈને જણાવતા તેમણે સમાધાન કરાવવાની ખાતરી આપી હતી.પરંતુ આજ દિન સુધી માત્ર ખોટા વાયદા જ કરતાં હર્ષદભાઈએ નિતિન રાણા વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુરત જિલ્લા કલેક્ટરમાં લેખિત અરજી કરી હતી.જે બાબતે કલેક્ટર દ્વારા નિતિન રાણા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અંગેનો ગુનો નોંધવા માટે હુકમ કરતાં હર્ષદભાઈએ શુક્રવારના રોજ બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો અને ઇ.પી.કો.ની કલમ 406 અને 420 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Share Now