સુરત : ડાયાબિટીઝ અને હાઇપર ટેન્શન હોવાનું જણાવી કેન્સરની સારવારનો ક્લેઇમ વીમા કંપની નકારી શકે નહી ઃગ્રાહક કોર્ટ વીમાદારને વીમો લેતા અગાઉ ડાયાબીટીઝ અને હાઈપર ટેન્શન હોવાનું જણાવીને કેન્સરની સારવારનો ક્લેઈમ નકારનાર વીમા કંપનીને સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ પી.પી.મેખીયા તથા સભ્ય ડૉ.તિર્થેશ મહેતા અને પુર્વીબેન જોશીએ વાર્ષિક 7 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.10.59 લાખ તથા હાલાકી બદલ રૃ.10 હજાર અને અરજી ખર્ચ પેટે ૫ હજાર ચુકવી આપવા હુકમ કર્યો છે.
ફરીયાદી ગંગારામ અસ્નાની ઈફકો ટોક્યો જનરલ ઈન્સ્યુરન્સ કંપનીનો રૃ.7.50 લાખની મેડીક્લેઇમ પોલીસી ધરાવતા હતા.દરમિયાન મોઢામાં દુઃખાવો અને ચાંદી જેવું જણાતા મુંબઇની અંબાણી હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા કેન્સરનું નિદાન થતા કેમોથેરાપીની સલાહ ડોકટરે આપી હતી.વર્ષ 2016-17માં કુલ આઠ વાર અને 2017-18માં ત્રણ વાર કેમોથેરાપી કરાવતા અનુક્રમે રૃા.5.42 લાખ અને રૃા.5.17લાખનો ખર્ચ થતા અલગ-અલગ 11 ક્લેઇમ વીમા કંપની સમક્ષ કર્યા હતા.પણ ડાયાબિઝીટ અને હાઇપરટેન્શન હોવાનું જણાવી ક્લેઇન નકારી કઢાતા શ્રેયસ દેસાઈ મારફતે ગ્રાહક કોર્ટમાં ધા નાંખી હતી.સુનાવણી દરમિયાન ફરિયાદીનું નિધન થતાં તેમના વારસો બિનીતાબેન અને પુત્ર વિનોદ અને જ્યોતિને પક્ષકાર તરીકે જોડયા હતા.ફરિયાદપક્ષે જણાવ્યું હતું કે મોઢાના કેન્સરની બિમારીને તથા ડાયાબીટીઝ અને હાઈપર ટેન્શન વચ્ચે કોઈ સીધો કાર્યકરણનો સંબંધ હોવાનું વીમા કંપની પુરવાર કરી શકી નથી જેથી ક્લેઇમ મળવાપાત્ર છે.ગ્રાહક કોર્ટે વ્યાજ સહિત 11 ક્લેઈમની રકમ અરજી ખર્ચ સહિત ચુકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો છે.