નવી દિલ્હી, તા. 19. જૂન 2022 રવિવાર : પુરી પીઠના શંકરાચાર્જ સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ આશ્ચર્યજનક દાવો કરતા કહયુ છે કે, ભારત બહુ જલ્દી હિન્દુ રાષ્ટ્ર બની જશે.તેમણે કહ્યુ હતુ કે, દેશમાં જે પ્રકારની ઘટનાઓ બની રહી છે તે જોતા કહી શકાય કે ભારત આગામી સાડા ત્રણ વર્ષમાં હિન્દુ રાષ્ટ્ર બની જશે.એવુ નથી કે, દેશમાં રહેતા બીજા ધર્મના લોકોને એ પછી દેશ બહાર મોકલી દેવાશે અથવા તેમનુ ધર્મ પરિવર્તન કરાવાશે.હિન્દુ રાષ્ટ્ર બન્યા પછી પણ બીજા ધર્મના લોકો એજ રીતે રહેશે જે રીતે અત્યારે રહે છે.
સ્વામી નિશ્લાનંદનુ કહેવુ હતુ કે, હિન્દુ ધર્મ જ નહીં પણ જીવનશૈલી પણ છે.જે માનવતાના પાઠ ભણાવે છે,સહિષ્ણુતા અને અહીંસા શીખવાડે છે.બહુ જલ્દી ભારતવાસીઓ નકારાત્મકતાને ત્યજીને દેશ હિતમાં કામ કરશે,ધર્મથી નહીં પણ વિચારો અને સ્વભાવથી દેશના લોકો હિન્દુ થઈ જશે અને ભારત હિન્દુ રાષ્ટ્ર બની જશે.
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, વારાણસી જ્ઞાનવાપી વિવાદ બંને પક્ષોએ કોર્ટના ચુકાદાની રાહ જોયા વગર ઉકેલવો જોઈએ.મુસ્લિમોને પણ એ વાત ખબર છે કે, તેમના પૂર્વજો પહેલા હિન્દુ હતા અને મોગલ આક્રમણખોરોએ તમામ મંદિરો તોડીને મસ્જિદો બનાવી હતી.પહેલા જે ભૂલ થઈ છે તે અત્યારે સુધારી શકાય છે.મુસ્લિમોએ પહેલ કરીને જ્ઞાનવાપી પરથી પોતાનો દાવો પાછો ખેંચવો જોઈએ.જરુર પડે તો હું મધ્યસ્થતા કરવા માટે તૈયાર છું.