– ઓવૈસીએ અગ્નિપથ યોજનાને લઈને પણ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે
હૈદરાબાદ, તા. 19 જૂન 2022, રવિવાર : AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ફરી એક વખત નૂપુર શર્માની ધરપકડની માંગ કરી છે.ઓવૈસીએ કહ્યું કે, તેને વિશ્વાસ છે કે, બીજેપી નૂપુર શર્માને 6-7 મહિનામાં પાછી લાવશે અને એક મોટા નેતાના રૂપમાં રજૂ કરશે. તેમને દિલ્હીમાં મુખ્યમંત્રી પદની દાવેદાર પણ બનાવી શકે છે.હૈદરાબાદમાં યુનાઇટેડ એક્શન ફોરમ દ્વારા આયોજિત કોન્ફરન્સમાં નુપુર શર્મા અને નવીન જિંદલ સામે કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવતા ભાજપ સામે નિંદા પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.
પયગંબર મોહમ્મદને લઈને વિવાદિત નિવોદન પર બીજેપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ નૂપુર શર્મા વિશે ઓવૈસીએ કહ્યું કે, આ મોહતરમાની સામે ભારતના કાયદા અને સંવિધાન પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ.તેમની ધરપકડ કરવી જોઈએ.નૂપુર શર્મા સામે પ્રથમ FIR હૈદરાબાદમાં નોંધવામાં આવી હતી.હું પોલીસ પ્રમુખ અને મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે, પોતાની પોલીસ દિલ્હી મોકલાવો અને નૂપુર શર્માની ધરપકડ કરી લાવો. માત્ર FIRથી શું થશે. કંઈક તો કરો.
ઓવૈસીએ વધુમાં કહ્યું કે જ્યારે પણ કોઈ પીએમ મોદી,યોગી આદિત્યનાથ,મમતા બેનર્જી વિરુદ્ધ કંઈ પણ બોલે છે ત્યારે તેની ધરપકડ કરવામાં આવે છે પરંતુ જ્યારે કોઈ પયગંબર વિરુદ્ધ કંઈ કહે છે ત્યારે તમે તેની ધરપકડ નહીં કરો, કેમ? તેમણે ભાજપ પર નુપુર શર્માને બચાવવાનો આરોપ લગાવ્યો છે.ઓવૈસીએ કહ્યું કે, મને ખાતરી છે કે, (નુપુર શર્મા 6-7 મહિનામાં ફરી પાછા આવશે.તેમને મોટા નેતા તરીકે રજૂ કરવામાં આવશે.તેમને દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે દાવેદાર પણ બનાવવામાં આવી શકે છે.
પીએમ મોદી દ્વારા માતાના 100માં જન્મદિવસ પર બ્લોગમાં તેમના બાળપણના મિત્ર અબ્બાસના ઉલ્લેખ પર, ઓવૈસીએ કહ્યું કે અબ્બાસ ભાઈને બોલાવો અને તેમને ઓવૈસીનું ભાષણ સંભળાવો પછી તેમને પૂછો કે, હું જે કહી રહ્યો છું તે સાચું છે કે ખોટું.
ઓવૈસીએ અગ્નિપથ યોજનાને લઈને પણ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.તેમણે આરોપ લગાવ્યો છે કે, પીએમ મોદીએ ખોટો નિર્ણય લીધો છે જેના કારણે યુવાનો રસ્તાઓ પર આવી ગયા છે.તેઓએ દેશના યુવાનોને બરબાદ કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે.હવે તમે તેમના ઘરને ધ્વસ્ત કરવા માટે કેટલા બુલડોઝરનો ઉપયોગ કરશો.અમે નથી ઈચ્છતા કે, તમે કોઈનું ઘર તબાહ કરો.ઔવેસીએ બુલડોઝરના ઉપયોગ પર યુપી સરકારની પણ ટીકા કરી છે.