સુરત : સચિન-હજીરા રોડ પર આભવા ચોકડી નજીક મધરાતે ઉભેલી કાર જોઇ મદદ માટે ઉભેલી ડુમ્મસ પોલીસની પીસીઆર વાન અને કારને બેફામ ઝડપે જઇ રહેલા ટ્રક ચાલકે અડફેટમાં લેતા અકસ્માત થયો હતો.જેમાં થિયેટરમાં મુવી જોઇ પરત જઇ રહેલા બાંધકામ કોન્ટ્રાક્ટરની મંગેતરને માથામાં ગંભીર ઇજા થઇ હતી.સીમાડા ગામ સ્થિત લક્ષ્મીબા રો હાઉસમાં રહેતો બાંધકામ કોન્ટ્રાક્ટર સતીષ અરવિંદ માંગરોળીયા(ઉ.વ.29)ગત મધરાતે મંગેતર દિવ્યા મનસુખ કાકડીયા(ઉ.વ.28 રહે.42,સર્જન રો હાઉસ,શેખપુર,વેલંજા,તા.કામરેજ,જિ.સુરત)સાથે ડુમ્મસ રોડ સ્થિત સિટી પ્લસ થિયેટરમાં નાઇટ શોમાં મુવી જોઇ પરત જઇ રહ્યા હતા.
દરમિયાનમાં સિટી પ્લસ સિનેમાથી નીકળી આભવા ચોકડી થઇ લુથરા ફાર્મ નજીક સતીષે પોતાની કાર નં.કાર નં. જીજે-16 સીએન-5417 ની પાર્કીંગ લાઇટ ચાલુ કરી રોડ સાઇડમાં લઘુશંકા કરવા ગયો હતો. દરમિયાનમાં પેટ્રોલીંગમાં નીકળેલી ડુમ્મસ પોલીસની પીસીઆર વાનના ડ્રાઇવરે કોઇ ઇમરજન્સી કે પોલીસની જરૂર છે તેવું પુછ્યું હતું. સતીષ પીસીઆર વાનના ડ્રાઇવર સાથે વાત કરી રહ્યો હતો અને દિવ્યા પણ કારમાંથી ઉતરી હતી.આ અરસામાં પુર ઝડપે આવી રહેલી ટ્રક નં.જીજે- 5 એઝેડ-3053 ના ચાલકે દિવ્યાને અડફેટમાં લઇ સતીષની કાર અને પીસીઆર વાનને પણ ટક્કર મારતા અકસ્માત સર્જયો હતો. જેમાં કાર અને પીસીઆર વાનને નુકશાન થયું હતું અને સદ્દનસીબે સતીષ કે પીસીઆર વાનના સ્ટાફને કોઇ ઇજા થઇ ન હતી.પરંતુ દિવ્યાને માથામાં ગંભીર ઇજા થઇ હતી.જેથી દિવ્યાને તુરંત જ પીસીઆર વાનમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.ઘટના અંગે પોલીસે ટ્રક ડ્રાઇવર વિરૂધ્ધ ગુનો નોંધી ડિટેઇન કર્યો છે.