નવી દિલ્હી : 21 જૂન,2022,મંગળવાર : ૧૯૨ દેશોમાં ૨૧મી જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે.પ્રાચીન સમયમાં આધ ગુરુ શંકરાચાર્યએ ભારતમાં ભ્રમણ કરીને અદ્રેત વેદાંત અને યોગનો ઉપદેશ આપ્યો હતો.આ પરંપરા મુજબ શ્રી અરવિંદથી માંડીને સ્વામી વિવેકાનંદ પણ યોગના અભ્યાસુ હતા.યોગ ભારતની પ્રાચીન વિધા જ નહી જીવનશૈલી છે જેને ઋષિમુનીઓએ જણ જણ સુધી પહોંચાડી હતી.આધુનિક સમયમાં ભારતના આ યોગગુરુઓએ યોગને વિશ્વના તખ્તા પર લઇ જઇને કરોડો લોકોને યોગ કરતા કર્યા છે.ભારતમાં બાબા રામદેવ યોગને આયુર્વેદ ચિકિત્સા સાથે જોડવામાં ખૂબ મોટું નામ છે. યોગગુરુઓ ભારતની યોગવિધાનો દુનિયાને પરીચય આપતા રહયા છે જેમાં તિરુમલાઇ કૃષ્ણમચાર્યથી માંડીને મહર્ષી યોગી સુધીનો સમાવેશ થાય છે.
તિરુમલાઇ કૃષ્ણમચાર્ય આધુનિક યોગના પિતા માનવામાં આવે છે.હઠયોગ અને વિન્યાસને પુન સ્થાપિત કરવાનો શ્રેય તેમને જ મળે છે.મૈસૂરના મહારાજાના રાજયમાં યોગ સેન્ટર શરુ કરીને ભારતમાં યોગને નવી ઓળખ આપી હતી.રશિયાની પ્રસિધ્ધ અભિનેત્રી ઇન્દ્રાદેવીને યોગ શિખવ્યો હતો.ઇન્દ્રાદેવીએ આ યોગ અમેરિકામાં હોલીવુડના અભિનેતા -અભિનેત્રીઓને શિખવ્યો હતો.તિરુમલાઇ કૃષ્ણમાચાર્ય પાસે આર્યુવેદનું પણ ખૂબ નોલેજ હોવાથી તેમણે અનેક દર્દીઓને સારવાર આપી સાજા કર્યા હતા.તિરુમલાઇ યોગના પ્રચાર માટે ભારત ભ્રમણ કર્યું હતું.
બી કે એસ આયંગરે યોગને વિશ્વ ભરમાં ઓળખ આપવામાં મહત્વનો ફાળો આપ્યો છે.તેમને આયંગર યોગ પણ વિકસાવ્યો હતો.આયંગર યોગ સ્કૂલના માઘ્યમથી તેમણે દુનિયા ભરના લોકોને યોગ પ્રત્યે જાગૃત કર્યા હતા.૨૦૦૪માં ટાઇમ મેગેઝીને વિશ્વની ૧૦૦ પ્રભાવશાળી વ્યકિતઓમાં સમાવેશ કર્યો હતો.આયંગરે પતંજલીના યોગ સૂત્રોને નવી જ રીતે પારિભાષિત કર્યા હતા.તેમના લાઇટ ઓન યોગ નામના પુસ્તકને યોગનું બાઇબલ કહેવામાં આવે છે.