સુરત તા. 22 જૂન 2022, બુધવાર : રવિવારે મોડી રાત્રે મુંબઈથી સુરત આવ્યા બાદ હવે શિવ સેનાના નારાજ નેતા એકનાથ શિંદે અને તેના સાથીદારો ગુવાહાટી પહોંચી ગયા છે.પોતાની સાથે 40 જેટલા ધરાભ્યો હોવાનો શિંદેએ આસામની રાજધાની પહોંચ્યા પછી દાવો કર્યો હતો.
ઉદ્ધવ ઠાકરેની કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના ટેકાથી બનેલી યુતિ સરકાર સામે યુદ્ધે ચડેલા શિંદેને સમજાવવા માટે સોમવારે દિવસભર પ્રયાસ થયા હતા.ખુદ મુખ્યમંત્રી ઉદ્ધવે એકનાથ શિંદે સાથે ફોન ઉપર ચર્ચા કરી મનાવવા પ્રયાસ કર્યો હતો.આ ઉપરાંત,મુંબઈથી બે નેતાઓ મોકલી શિંદેને સમજાવવા પ્રયત્ન થયો હતો.
એવું જાણવા મળ્યું હતું કે એકનાથ શિંદેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પોતે શિવ સેનાના વિરોધમાં નથી પણ હિન્દુત્વ સાથે જોડાયેલા હોવાથી ઠાકરેને સમજાવી રહ્યા છે કે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસનો સાથ છોડી ફરી ભાજપ સાથે મહારાષ્ટ્રમાં સરકાર બનાવે.
બળવાખોર એકનાથ શિંદેને મનાવવા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના મિલિન્દ નાર્વેકર અને ધારાસભ્ય રવિન્દ્ર ફાટકને સુરત ગયા હતા.ત્યાં તેમણે એકનાથ શિંદે મુખ્ય પ્રધાનનો સંદેશો પાઠવ્યો હતો. આ લગભગ એક કલાક ચાલી હતી.આ બેઠકમાં નાર્વેકર સમક્ષ એકનાથ સિંદેએ પ્રસ્તાળ મૂક્યો હતો.જેમા ચાર શરત જણાવી હતી.ભાજપ સાથે યુતિ કરશો તો શિવસેના સાથે જોડાયેલો રહીશ,કોંગ્રેસ-એન.સી.પી. સાથે કરેલી આઘાડી તોડી પાડવી.દેવેન્દ્ર ફડણવનીસને સીએમ અને તેમને નાયબ મુખ્ય પ્રધાન બનાવવા માગણી કરી હોવાનુંપણ જાણવા મળે છે.બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને પહેલાં મુંબઇ આવવા અને અહીં મોકળા મને ચર્ચા કરવા જણાવ્યું હોવાનું કહેવાય છે.
મહારાષ્ટ્રના નગર વિકાસ ખાતાંના પ્રધાન તથા શિવસેનાના સૌથી સિનિયર નેતાઓમાંના એક એકનાથ શિંદેએ 20થી વધુ સમર્થક ધારાસભ્યો સાથે સુરતની એક હોટલમાં મુકામ કરી બળવાનું બ્યૂગલ ફૂંકતાં રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકાર ફરી હાલકડોલક બની ગઈ છે.શિંદેએ કોંગ્રેસ અને એનસીપી સાથેની હાલની આઘાડી છોડી ફરી ભાજપ સાથે જોડાવા શરત મુકતાં આ બળવા પાછળ ભાજપનો રાજકીય દોરીસંચાર હોવાનું માનવામાં આવે છે.જોકે, શિવસેના માટે આ શરત સ્વીકારવાનું બહુ મુશ્કેલ હોવાથી રાજ્યમાં પ્રવાહી રાજકીય સ્થિતિનું નિર્માણ થયું છે.આ સંજોગોમાં રાજ્યમાં કોઈ નવી સરકાર રચાશે કે પછી ઉદ્ધવ સરકાર ટકાવી રાખવામાં સફળ થશે કે પછી ફરી રાષ્ટ્રપતિ શાસનની નોબત આવશે તે સવાલ ચર્ચાઈ રહ્યો છે.