લગ્નના ગણતરીના કલાકોમાં મુદ્દામાલ લઈ છૂ થઈ જતી લૂંટેરી દુલ્હન ઝડપાઈ

131

સુરત : કર્ણાટકના વેપારીના રૂ.1.96 લાખના રોકડ-દાગીના લઈ લગ્નના ગણતરીના કલાકોમાં રફુચક્કર થયેલી લૂંટેરી દુલ્હનને વરાછા પોલીસે એક વર્ષ બાદ રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લીધી છે. લૂંટેરી દુલ્હને સુરત ઉપરાંત રાપર,અમરેલી,મુંબઈના કુલ પાંચ યુવાનોને છેતર્યા છે.તે પૈકી સુરત અને રાપરમાં જ તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઘણા સમયથી લગ્ન થતા ન હોય મૂળ મુંબઈના અને હાલ કર્ણાટકના ચિકમંગલુરરૂ ખાતે રહેતા ઝુમરના વેપારી 38 વર્ષીય અંકિત શાંતિલાલ જૈને જૂન 2021 માં વરાછાના દંપત્તિને રૂ.15 હજાર દલાલી ચૂકવી બીલીમોરાની યુવતી સ્વાતી ગણેશભાઈ ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા.પણ લગ્નમાં સ્વાતીના ભાઈને રોકડ,દાગીના મળી આપેલા રૂ.1.81 લાખનો માલ લઈને સ્વાતી લગ્નના ગણતરીના કલાકોમાં જ રફુચક્કર થઈ ગઈ હતી.આ અંગે અંકિતે વરાછા પોલીસ મથકમાં લૂંટેરી દુલ્હન અને ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તે સમયે બે ની ધરપકડ કરો હતી.જયારે લૂંટેરી દુલ્હન ફરાર હતી.

દરમિયાન,વરાછા પોલીસે આજરોજ લૂંટેરી દુલ્હન સ્વાતી ગણેશભાઇ હિવરાળે(ઉ.વ.23,રહે.મસ્જીદની પાછળ,દોલતાબાદનો કીલ્લો,ગ્રામ પંચાયતની પાછળ,માળીવાડા,ઓરંગાબાદ,મહારાષ્ટ્ર)ને સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લીધી હતી.પોલીસે તેની પુછપરછ કરતા તેના વિરુદ્ધ કચ્છ પુર્વ ગાંધીધામ રાપર પોલીસ સ્ટેશનમાં પણ બે વર્ષ અગાઉ એક યુવાન સાથે લગ્ન કરી રોકડા રૂ.1.80 લઈ ફરાર થયાની ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું હતું.વધુ પુછપરછમાં તેણે કબુલ્યું હતું કે તેણે સુરત,રાપર ઉપરાંત અમરેલી,મુંબઈના કુલ પાંચ યુવાનોને છેતર્યા છે.તે પૈકી માત્ર સુરત અને રાપરમાં જ તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

Share Now