સુરત : તા.21 જુન 2022,મંગળવાર : સુરત શહેરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રમિકો રોજગારી મેળવવા માટે આવતા હોય છે અને શ્રમિકોને શારીરિક રીતે શ્રમ વધુ પહોંચે છે.ત્યારે તેમને યોગ વિશે માહીતિ મળે અને યોગ કરીને શ્રમિકો તેમનું સ્વાસ્થ્ય સારું બનાવી શકે એ માટે અલગ અલગ સંસ્થાઓ દ્વારા રેન બસેરામાં આશ્રિત શ્રમિકોને યોગા કરાવવામાં આવ્યા હતા.
દર વર્ષે અલગ અલગ થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે સમગ્ર વિશ્વ’માનવતા માટે યોગ’ની ઉજવણી કરી રહ્યું છે.ત્યારે રોજગારી મેળવવા માટે સુરત આવ્યો શ્રમિક વર્ગ કે જે યોગા વિશે જાણતા નથી તેમને યોગ શીખવાડવામાં આવ્યા હતા.તેઓ પણ યોગનું તેમના જીવન પર મહત્વ સમજી શકે એ માટે યોગ કરાવવામાં આવ્યા હતા.અલથાણ ભટાર ખાતે સુરત મ્યુનિ.કોર્પોરશન દ્વારા બનાવવામાં આવેલા રેન બસેરા ખાતે યોગ શિક્ષિકાઓ દ્વારા અલગ અલગ યોગાસનો કરાવાયા હતા.જેમાં રેન બસેરા પર આશ્રિત બાળકો,પુરુષો,મહિલાએ,આધેડ અને વૃધ્ધોએ પણ થાય એટલા યોગાસનો કરવાનો પ્રયત્ન કર્યો હતો.અંદાજે ૧૦૦ જેટલા શ્રમિકોએ યોગાસનો પર્ફોર્મ કર્યા હતા.
આ અંગે એક યોગશિક્ષિકાએ કહ્યું કે,યોગથી વ્યક્તિનો શારીરિક,માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે એ વાત તેમને સમજાવી હતી અને બાદમાં તેમને તેમની દિનચર્યા અનુસાર અલગ અલગ આસનો કરાવવાની સાથે કયા રોગમાં તે મદદરૂપ થાય છે તે અંગેની પણ માહીતિ આપી હતી.આ એવા લોકો છે જેમણે યોગાનું નામ સાંભળ્યું નથી કે કર્યા નથી.જેથી તેમના સુઘી પહોંચીને અમે તેમને પણ યોગ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે.બાળકોથી લઈને વૃદ્ધો એ પણ અમારી સાથે યોગા કર્યા હતા.