સિગ્નલ સ્કૂલ પ્રોજેકટની કામગીરી બતાવવા મ્યુ.સ્કૂલબોર્ડે ૪.૧૫ મિનીટનો વિડીયો બનાવવા ૪.૭૨ લાખનો ખર્ચ કર્યો

138

અમદાવાદ : મંગળવાર,21 જુન,2022 : અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ દ્વારા શરુ કરવામાં આવેલા સિગ્નલ સ્કૂલ પ્રોજેકટની કામગીરી બતાવવા ૪.૧૫ મિનીટનો વિડીયો બનાવવા ૪.૭૨ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.આ ખર્ચ મંજુર કરવા સ્કૂલબોર્ડની મળનારી બેઠકમાં દરખાસ્ત મંજુરી માટે મુકાતા વિપક્ષ કોંગ્રેસે એક મિનીટના એક લાખથી વધુના ખર્ચ કયા કારણથી કરાયો એ અંગે તંત્ર સામે સવાલ કરાયા છે.

શહેરમાં રસ્તા ઉપર ભિક્ષા માંગતા બાળકોને શિક્ષણ આપવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજય કાનૂની સેવા સત્તા મંડળના સહયોગથી માર્ચ મહિનામાં સિગ્નલ સ્કૂલ પ્રોજેકટની શરુઆત કરવામાં આવી છે.૬ માર્ચના રોજ હાઈકોર્ટના ઓડીટોરીયમના પરિસરમાં ચીફ જસ્ટિસના અધ્યક્ષસ્થાને એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં અનેક અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.સિગ્નલ સ્કૂલ પ્રોજેકટ સંદર્ભમાં યોજાયેલા આ કાર્યક્રમનો ૪.૧૫ મિનીટનો વિડીયો બનાવાયો હતો.આ વિડીયો બનાવવા માટે થયેલા ૪.૭૨ લાખના ખર્ચની રકમ ચુકવવા સ્કૂલબોર્ડની મળનારી બેઠકમાં દરખાસ્ત મંજુરી માટે મુકવામાં આવી છે.

કોંગ્રેસના મ્યુનિ.સ્કૂલબોર્ડના સભ્ય કિરણ પ્રજાપતિએ ૨૮ મી જુને મળનારી બેઠકમાં મંજુરી માટે મુકાયેલી દરખાસ્ત સામે તંત્રને સવાલ કરતા કહ્યુ,૪.૭૨ લાખમાં તો આખી ફિલ્મ બની જાય આ પરિસ્થિતિમાં ઘનેરી ક્રીએશન પ્રા.લી.ને કોના કહેવાથી આ વિડીયો બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો એની તપાસ થવી જરુરી છે.

Share Now