અમદાવાદ : મંગળવાર : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની આગામી અઠવાડિયે મળનારી બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા વળતર આપવાનું બંધ કરવાને કારણે રાજ્ય સરકારોને આવકમાં પડનારી ઘટને મુદ્દે ચર્ચા કરવાની સાથે સાથે જ રાજ્ય સરકારો પોતા પોતાની રીતે આવક વધારવા માટે વધારાની સેસ લાગુ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવે તેવી સંભાવના છે.રાજ્ય સરકારો તેમની આવક વધારવા માટેના નવા રસ્તાઓ શોધવા માંડે તેવી પૂરી સંભાવના છે.ગુજરાત જેવા મેન્યુફેક્ચરિંગ સ્ટેટ્સે તેમની જીએસટીની આવક વધારવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી પડી શકે છે.વર્તમાન મહિનાના અંતિમ સપ્તાહમાં હરિયાણા ખાતે મળી રહેલી ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ(જીએસટી)કાઉન્સિલની બેઠકમાં કેટલાક કાનૂની ફેરબદલો થવાની શકયતા જોવાઈ રહી છે.
ગુજરાત,મહારાષ્ટ્ર અને તેલંગણા મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે એમ જણાવતા જીએસટીના જાણકાર હેમ છાજેડ કહે છે કે ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ થતો મોટાભાગનો સામાન ગુજરાતની બહાર વેચાય અને વપરાય છે. જીએસટીની વ્યવસ્થામાં આઈટેમ જે રાજ્યમાં કન્ઝ્યુમ વધુ થાય તે રાજ્યોની જીએસટીની આવક વધે છે.ગુજરાત જેવી તકલીફ મહારાષ્ટ્ર અને તેલંગણાને પણ પડવાની છે.તેથી વળતર અટકે તો તેને કારણે ઘટનારી આવક અને જીએસટીના મેન્યુફેક્ચરિંગ સ્ટેટને કારણે ઘટનારી આવકને કારણે તેમની પડનારો ફટકો મોટો હશે તેથી ગુજરાત,મહારાષ્ટ્ર અને તેલંગણા જેવા રાજ્યો તેમની આવક વધારવા માટે સેસ લગાવવાના વિકલ્પનો વિચાર કરશે.
દેશમાં જીએસટી લાગુ થયાને ૧લી જુલાઈના પાંચ વર્ષ પૂરા થઈ રહ્યા છે તેની પૂર્વસંધ્યાએ એટલે કે ૨૮ તથા ૨૯ જુનના રોજ ચંડીગઢ ખાતે કાઉન્સિલની બેઠક મળી રહી છે.ઈ-કોમર્સના પૂરવઠેદારો માટે ફરજપાલનના ધોરણો હળવા કરવા અંગે બેઠકમાં ચર્ચા કરાશે એમ આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું.ક્ષતિઓ નાબુદ કરવા કેન્દ્ર તથા રાજ્યોને સત્તા આપવા અંગે પણ નિર્ણય લેવાય તેવી વકી છે.નેશનલ એન્ટી-પ્રોફિટિઅરિંગ ઓથોરિટી(એનએએ)તથા બાકી પડેલા કેસો પર સરકાર વિગતવાર રિપોર્ટ રજુ કરશે તેવી પણ સુત્રો દ્વારા શકયતા વ્યકત કરવામાં આવી હતી.
દેશની વિવિધ હાઈકોર્ટસમાં ચાલી રહેલા કેસોમાં સરકાર વતિ રજુઆત કરવા ઓથોરિટીએ સોલિસિટર જનરલ તથા કેટલાક વકીલોની સેવા પણ લીધી છે,જે અંગે કાઉન્સિલને જાણકારી અપાશે.ઓથોરિટી સમક્ષ મેના અંત સુધીમાં ૪૦૦ જેટલા કેસો બાકી પડયા હતા અને આ કેસોનો ઝડપી નિકાલ લાવવા ઓથોરિટીને સૂચના આપવામાં આવી છે.