સુરત : હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે આજે સુરત જિલ્લાના કામરેજ તાલુકા બે કલાકમાં અધધધ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા કામરેજ પંથકમાં પાણીની રેલમછેલ થઇ હતી.અન્ય તાલુકામાં દોઢ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ સુરત શહેર અને જિલ્લામાં ચોમાસુ ધીરેધીરે રંગત જમાવી રહ્યુ છે.જેમાં આજે સાંજે ચાર વાગ્યાથી તો આકાશ એકાચાર થવાની સાથે હમણાં જ ધોધમાર વરસાદ તુટી પડશે,એવુ હવામાન રચાયુ હતુ.
પરંતુ સુરત શહેરમાં વરસાદનું ટીપુ પણ પડયુ ના હતુ.પરંતુ આ વરસાદ કામરેજમાં તુટી પડયો હતો.કામરેજ તાલુકામાં બપોરે ચાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીના બે કલાકમાં દેમાર વરસાદ ઝીંકાયો હતો. આ બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદી પાણી પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા તંત્ર દોડતુ થયુ હતુ.તો ઠેરઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી.આ બે કલાક કામરેજ તાલુકો જાણે કટ ઓફ થઇ ગયો હોઇ તેવા વરસાદ વરસ્યો હતો.બે કલાક પછી વરસાદ ધીમો પડયો હતો.આ સિવાય બપોરે ચારથી છના બે કલાકમાં પલસાણામાં દોઢ ઇંચ,વરસાદ નોંધાયો હતો.તેમજ આખો દિવસ દરમ્યાન ઉમરપાડા તાલુકામાં દોઢ ઇંચ અને મહુવામાં અડધો ઇંચ,બારડોલીમાં પાંચ મિ.મિ વરસાદ વરસ્યો હતો.જયારે સુરત શહેરમાં માત્ર વાદળો જ દેખાયા હતા.
સુરત શહેરમાં આજે આખો દિવસ તાપ પડતા તાપમાનનો પારો વધીને ૩૪.૪ ડિગ્રી નોંધાયો હતો.સાંજના છેડે સૂર્યદેવતા ગાયબ થઇ જવાની સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડો પવન ફુંકાતા શહેરીજનો દિવસભરની ગરમી ભુલી ગયા હતા.પણ વાદળો ઘેરાયા છતા વરસાદ વરસ્યો નહોતો.આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૪.૪ ડિગ્રી,લઘુતમ તાપમાન ૨૫.૪ ડિગ્રી,હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા,હવાનું દબાણ ૧૦૦૩.૧ મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના ૧૩ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.