મુંબઈ : તા.23 જૂન 2022,ગુરૂવાર : મહારાષ્ટ્રમાં સત્તારૂઢ શિવસેનામાં જે બળવો સર્જાયો છે તેના કારણે મહાવિકાસ અઘાડી સરકાર સંકટમાં મુકાઈ છે.શિવસેનાના નેતા એકનાથ શિંદેએ પોતાના સમર્થક ધારાસભ્યો સાથે જે પ્રકારે બાગી વલણ અપનાવ્યું છે તેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ વ્યાપ્યો છે.આ સમગ્ર ઘટનાક્રમથી મહારાષ્ટ્રના રાજકારણના 4 દિગ્ગજ નેતાઓ પર શું અસર પડી અને ભવિષ્યમાં શું થઈ શકે તે જોઈએ.
શિવસેનામાં ઘણાં લાંબા સમયથી બગાવતના તણખા દેખાઈ રહ્યા હતા.ત્યાર બાદ રાજ્યસભા તથા વિધાન પરિષદની ચૂંટણીઓમાં તેને હવા મળી.મહારાષ્ટ્રમાં ભાજપના વરિષ્ઠ નેતા તથા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ શિવસેનામાં જે પ્રકારે મતભેદો સર્જાયા તેનો લાભ મેળવવામાં સફળ રહ્યા.પરિણામે મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં ક્રોસ વોટિંગના કારણે ભાજપને રાજ્યસભા તથા વિધાન પરિષદની ચૂંટણીઓમાં વધારાનો એક-એક સદસ્ય મળી ગયો.
શિવસેનામાં મતભેદોના કારણે પ્રથમ વખત આટલા મોટા સ્તરે બળવો સર્જાયો છે.પાર્ટી પ્રમુખ તથા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટે આ સંકટનો સામનો કરવો તે અત્યાર સુધીની સૌથી મોટી પરીક્ષા સમાન છે.આ સ્પષ્ટ સંકેત છે કે,તેમની પાર્ટી તથા ધારાસભ્યો પરની પકડ નબળી પડી છે.આ બધા કારણોસર પાર્ટીમાં તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.ઉપરાંત તેમનું સ્વાસ્થ્ય પણ ઠીક નથી.ત્યારે હવે ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે તથા તેમના સમર્થકોને મનાવવામાં સફળ થશે કે નહીં તે જોવાનું રહ્યું.