એકનાથ શિંદે સાથે શિવસેનાના બળવાખોર સંસદસભ્યોનું પણ ગ્રુપ?

115

જો બળવાખોર જૂથના નેતાનો દાવો સાચો હોય તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બીજેપીની રાહ વધુ આસાન થઈ જશે.જો એકનાથ શિંદે જૂથનો શિવસેનાના લોકસભાના ૧૯માંથી ૧૪ સંસદસભ્યો તેમની તરફેણમાં હોવાનો દાવો સાચો હોય તો લોકસભામાં અલાયદું જૂથ રચવાના પ્રયાસની શક્યતા નકારી શકાય નહીં.લોકસભામાં શિવસેના મહારાષ્ટ્રમાંથી ૧૮ અને દાદરા અને નગર હવેલીમાંથી એક સંસદસભ્ય ધરાવે છે.શિવસેનાના ઘણા સંસદસભ્યોએ એકનાથ શિંદેનું સમર્થન કર્યું છે અને એમાંના એક ભાવના ગવળીએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને બીજેપી સાથે યુતિની વિચારણા કરવાની વિનંતી સુધ્ધાં કરી છે.

લોકસભા અને વિધાનસભામાં અલાયદાં જૂથો(જેની હજી પુષ્ટિ નથી થઈ)રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બીજેપીના ઉમેદવારનું સમર્થન કરે એવી શક્યતા છે,પણ ૧૮ જુલાઈએ ચૂંટણી યોજાય એ પહેલાં એકનાથ શિંદેના જૂથે ઘણી કસોટી પાર કરવી પડશે.જોકે અન્ય રાજ્યોમાંથી પૂરતો ટેકો હોવાનો બીજેપીએ દાવો કરતાં એને શિવસેનાના મતોનું શરણું નહીં લેવું પડે.મહારાષ્ટ્ર વિધાનસભામાં શિંદે જૂથે વિધાનસભામાં શિવસેનાના ગ્રુપ લીડર અને પાર્ટી વ્હિપના પદ પર દાવો કર્યો છે.જોકે ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવલે બળવાખોરોના પત્રને ઠુકરાવ્યો હતો અને અજય ચૌધરીની વિધાનસભામાં પક્ષના નેતા તરીકેની વરણી અંગેના પત્રને સ્વીકાર્યો હતો.

ડેપ્યુટી સ્પીકરે જણાવ્યું હતું કે તેમણે બળવાખોર વિધાનસભ્યોના હસ્તાક્ષરોની ખરાઈ કરવી પડશે,કારણ કે એ પૈકીના એક નીતિન દેશમુખે વાંધો ઉઠાવીને જણાવ્યું હતું કે પત્રમાંના અક્ષર તેમના નથી.એકનાથ શિંદેના ગ્રુપને વ્હિપ બનાવવાનો પણ ઇનકાર કરી દેવાયો છે અને જો બળવાખોર જૂથ શિવસેનાના હુકમનો અનાદર કરશે તો એણે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

જોકે જૂથને લોકસભામાં પડકારનો સામનો કરવો પડે એવા સંજોગો જણાતા નથી.જો એકનાથ શિંદેના પક્ષે ૧૪ સંસદસભ્યો હોય,જે પક્ષના કુલ સંસદસભ્યોના બે-તૃતીયાંશ કરતાં વધુ છે,એ સ્થિતિમાં સ્પીકર કોઈ મુશ્કેલી ઊભી કરે એવી શક્યતા નહીંવત્ છે.

Share Now