200 થી વધુ સ્કૂલે જાતિના દાખલાના કામના બહિષ્કાર કરતા વિદ્યાર્થીઓની હાલત કફોડી

132

સુરત : સુરત શહેરની ૨૦૦ જેટલી ખાનગી સ્કુલોએ વિદ્યાર્થીઓના જાતિના દાખલા આપવાની કામગીરીનો બહિષ્કાર કર્યો હોવાથી આજે એ પરિણામ આવ્યુ છે કે મોંધીદાટ ફી ચૂકવી હોવા છતા સ્કુલ સંચાલકોની આડોડાઇના કારણે જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે વિદ્યાર્થીઓએ કચેરીની બહાર કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવુ પડી રહ્યુ છે.જયારે ગ્રાન્ટેડ સ્કુલોના વિદ્યાર્થીઓને પરિણામ સાથે જ જાતિ પ્રમાણપત્ર મળી ગયા હતા.

દર વર્ષ પરિણામ આવે એટલે વિદ્યાર્થીઓએ આવકના દાખલા,નોન ક્રિમિલીયર સર્ટિફિકેટ કે જાતિના દાખલા માટે દોડાદોડી કરવી પડતી હોય છે.જેમાં જાતિના દાખલામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (ઓબીસી) વર્ગોના પ્રમાણપત્ર મેળવવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી વિકસતી જાતિના નાયબ નિયામક દ્વારા વિદ્યાર્થીઓને કચેરી સુધી ધક્કા ખાવી નહીં પડે તે માટે આગોતરુ આયોજન કરાયુ છે. સ્કુલ સંચાલકો પાસેથી વિદ્યાર્થીઓના તમામ પુરાવા મંગાવી લઇ કચેરીમાં જાતિના પ્રમાણપત્ર તૈયાર કરીને સ્કુલમાં જ મોકલી આપવામાં આવે છે.વિદ્યાર્થીઓ જયારે ધોરણ-૧૦ નુ પરિણામ લેવા આવે ત્યારે એક સાથે ત્રણ પુરાવા માર્કશીટ,લીવીંગ સર્ટિફિકેટ અને જાતિનું પ્રમાણપત્ર મળી રહેતા વાલીઓ અને વિદ્યાર્થીઓનુ અડધુ ટેન્શન ઓછુ થઇ જતુ હોય છે.

આ વર્ષે પણ નાયબ નિયામક કચેરી દ્વારા સ્કુલોમાંથી વિદ્યાર્થીઓના પુરાવા મંગાવાયા હતા.જેમાં સુરત શહેરની ૪૦૭ સ્કુલોમાંથી અડધી ૨૧૯ સ્કુલોએ વિદ્યાર્થીઓના પુરાવા રજુ કરતા ૭૭૦૦ વિદ્યાર્થીઓને જાતિના દાખલા ઇસ્યુ કરી દેવાયા હતા.જયારે ૨૦૦ જેટલી સ્કુલોએ વિદ્યાર્થીઓના પુરાવા રજુ નહીં કરતા આ સ્કુલના વિદ્યાર્થીઓ જાતિના પ્રમાણપત્ર માટે ધક્કા ખાઇ રહ્યા છે.

સુત્રોના જણાવ્યા મુજબ ૨૦૦ જેટલી સેલ્ફફાઇનાન્સ સ્કુલોના સંચાલકોને આ કર્લાકગીરી કરવી નહીં હોવાથી વિદ્યાર્થીઓના પુરાવા કચેરીમાં જમા કરાવ્યા ના હતા.આથી હાલમાં કચેરીની બહાર જાતિના દાખલા માટે લાઇનમાં ઉભા રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ આક્રોશ વ્યકત કરી રહ્યા છે કે આટલી બધી મોંધીદાટ ફી ભરીને ફાઇવસ્ટાર કે ખાનગી સ્કુલોમાં ભણાવતા હોવાછતા સંચાલકો એક નાના પુરાવા લઇને કચેરીમાં જમા નહીં કરાવતા અમારે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવુ પડે છે.આ શાળા સંચાલકોની આડોડાઇ ગણો કે દાદાગીરી ? એ સમજાતુ નથી.વિદ્યાર્થીઓ પાસે પુરાવા લઇને જમા કરાવતા શુ જોર આવે છે તે ખબર પડતી નથી.આડોડાઇના કારણે હજ્જારો વિદ્યાર્થીઓનો સમય બગડી રહ્યો છે.જયારે ગ્રાન્ટેડ સ્કુલોના ૭૭૦૦ વિદ્યાર્થીઓને દાખલા મળી ગયા છે.

હાલમાં ૨૦૦ થી વધુ સ્કુલના વિદ્યાર્થીઓ જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે કચેરીમાં ધસારો કરી રહ્યા છે.હાલ સુરત શહેરની લાખોની વસ્તી સામે એકમાત્ર નાયબ નિયામકની કચેરી છે.જેના કારણે દરેક વિદ્યાર્થીઓને ન્યાય આપી શકાય તેમ નથી.આથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાંથી એક માંગ ઉઠી છે કે જેમ આવકાના,નોન ક્રિમીલીયર સર્ટિફિકેટ દરેક મામલતદાર કચેરીમાંથી મળી રહે છે.તેમ આ જાતિના પ્રમાણપત્રો પણ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં કે પછી દરેક વિસ્તારના ઝોનમા પુરાવા રજુ કરે ત્યાંથી જ મળી રહે તેવુ આયોજન કરવા માટે માંગ ઉઠી છે.

Share Now