ચંદીગઢ : તા.24 જૂન 2022,શુક્રવાર : પંજાબ પાલીસના ADGP પ્રમોદ બાને ગુરૂવારે જણાવ્યું કે,ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સ્વીકાર કર્યું છે કે,પંજાબી સિંગર સિદ્ધૂ મુસેવાલાની હત્યા પાછળ મારો જ હાથ છે અને હું જ તેનો માસ્ટરમાઈન્ડ હતો અને છેલ્લા ઓગષ્ટ મહિનાથી તેની યોજના બનાવી રહ્યો હતો.ગેંગસ્ટર રોધી કાર્યબળના પ્રમુખ બાને જણાવ્યું કે,એક અન્ય આરોપી બળદેવ ઉર્ફે નિક્કૂની ગુરૂવારે ધરપકડ કરી હતી.શુભદિપ સિંહ સિદ્ધૂ જેને સિદ્ધૂ મૂસેવાલાના નામથી ઓળખવામાં આવતો હતો તેમની પંજાબના માનસા જિલ્લામાં 29 મેના રોજ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.તેના એક દિવસ અગાઉ જ પંજાબ સરકારે સિંગર અને 423 લોકોની સુરક્ષા પાછી ખેંચવામાં આવી હતી.
બાને જણાવ્યું કે,અમે તાજેતરમાં જ લોરેન્સ બિશ્નોઈની આ મામલે ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડ 27 જૂન સુધી વધારી દેવામાં આવ્યા હતા.તેમણે સ્વીકાર કર્યો છે કે,હું જ આ હત્યાનો માસ્ટરમાઈન્ડ હતો.ADGPએ જણાવ્યું કે,હત્યાને અંજામ આપવાનું કાવતરું ગયા વર્ષે ઓગસ્ટથી ઘડવામાં આવી રહ્યું હતું.મળતી માહિતી પ્રમાણે ત્રણ વખત રેકી કરવામાં આવી હતી.જાન્યુઆરીમાં પણ શૂટરોનું એક અલગ જૂથ મુસેવાલાને મારવા આવ્યું હતું પરંતુ તેમાં તેમને સફળતા નહોતી મળી.
મૂસવાલાની હત્યામાં ઉપયોગ કરવામાં આવેલા વાહનમાં ફતેહાબાદ સ્થિત એક પેટ્રોલ પંપની 25 મેની એક રસીદ મળી હતી.ત્યારબાદ પંજાબ પોલીસે લિંક્સ જોડી હતી.બાને જણાવ્યું કે,ફતેહાબાદ પેટ્રોલ પંપમાંથી મેળવેલ સીસીટીવી ફૂટેજથી અમે આરોપી પ્રિયવ્રત ઉર્ફે ફૌજીની ઓળખ કરી હતી.અમે અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરી છે અને સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો છે.માનસાની એક અદાલતે સિંગર સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં પૂછપરછ માટે છેલ્લા સપ્તાહે દિલ્હીથી પંજાબ પોલીસ દ્વારા લાવવામાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોલીસ રિમાન્ડ વધારી દેવામાં આવ્યા હતા.દિલ્હી પોલીસે આ કેસમાં બે શૂટર્સ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી.અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે,તેમાંથી એક ઘટના સમયે કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બરારના સંપર્કમાં હતો