શિવસેના ગઠબંધન છોડવા તૈયાર, બળવાખોરો ઉદ્ધવના રાજીનામાં પર અડગ

129

મુંબઈ : મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા અને રાજ્યના જાહેર બાંધકામ પ્રધાન એકનાથ શિંદેએ બળવો પોકાર્યા બાદ સર્જાયેલી રાજકીય પ્રવાહી પરિસ્થિતિમાં બળવાખોરોને પાછા આવવા માટે વધુ એક લાલચ આપવાના ભાગ રુપે શિવસેનાના નેતા સંજય રાઉતે પક્ષ આઘાડી છોડવા તૈયાર હોવાની વાત પણ ઉચ્ચારી હતી.જોકે,રાઉતની આ ઓફરની કોઈ ધારી અસર થઈ ન હતી.બળવાખોર જૂથે એવો સંકેત આપ્યો હતો કે તેમને ઉદ્ધવના રાજીનામાંથી ઓછું કશું જોતું નથી.બીજી તરફ,રાઉતની આ ઓફરથી આઘાડીના સાથી પક્ષો કોંગ્રેસ અને એનસીપી બંને નારાજ થયાં હતાં.જોકે,એનસીપીના સુપ્રીમો શરદ પવારે ઉદ્ધવને સમર્થનનો દેખાવ જારી રાખતાં કહ્યું હતું કે બળવાખોરોએ એકવાર મુંબઈ પાછા આવે એ બળાબળનાં જે કોઈ પારખાં કરવાં હોય તે વિધાનસભાના ફ્લોર પર જ થવાં જોઈએ.આ દરમિયાન,ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી પહોંચતાં હવે રાજ્યની રાજકીય કટોકટીમાં અત્યાર સુધી પડદા પાછળથી દોરી સંચાર કરી રહેલા ભાજપ દ્વારા કોઈ સક્રિય હિલચાલ થવાની શક્યતા વધી રહી છે.

એકનાથ શિંદેએ શિવસેનામાં વફાદાર શિવસૈનિકોની અવગણના,એનસીપીનો સરકાર પર કાબુ અને પક્ષના જૂના નેતાઓને ભોગે પરિવારવાદને મહત્વ જેવા મુદ્દે બળવો પોકારતાં શિવસેનાના બહુમતી ધારાસભ્યો,સંસદસભ્યો અને સંગઠનના નેતાઓ પણ તેમની સાથે જોડાતાં શિવસેના માટે અસ્તિત્વની કસોટી સર્જાઈ ગઈ છે. દિવસેને દિવસે બળવાખોર જૂથ વધારે પ્રબળ બની રહ્યું છે.આ હલ્લાથી ડઘાઈ ગયેલા શિવસેનાના નેતાઓ બળવાખોરો માટે હજુ પણ નરમ સૂર ઉચ્ચારી રહ્યા છે.ગઈકાલે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બળવાખોરોને મુંબઈ આવી રુબરુમાં પોતાનું રાજીનામું માગી લેવા ઓફર કરી હતી.હવે આજે શિવસેનાનના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે બળવાખોરને નવી ઓફર આપી હતી કે એકવાર તેઓ મુંબઈ પાછા ફરે તે પછી શિવસેના એનસીપી અને કોંગ્રેસ સાથે તેણે રચેલી મહાવિકાસ આઘાડીમાંથી નીકળી જવાની દિશામાં પણ વિચારશે.રાઉતે કહ્યું હતું કે પોતે બહુ ગંભીરતાપૂર્વક અને પૂરી જવાબદારી સાથે આ ઓફર આપી રહ્યા છે.

રાઉતે વારંવાર એ જ પુનરોચ્ચાર કર્યો હતો કે બળવાખોરોની બધી વાત સાંભળવામાં આવશે.તેઓ બસ એકવાર મુંબઈ આવે.શિવસેનાએ આઘાડીમાંથી બહાર નીકળવું જોઈએ તેવી તેમની માગણી માટે પણ પક્ષ વિચારવા તૈયાર છે.બળવાખોરોને સંબોધીને તેમણે કહ્યું હતું કે દૂર બેસીને વાત ના કરો.તમે તમારી જાતને સાચા શિવસૈનિક ગણાવો છો.શિવસેના છોડવાના નથી તેમ કહો છો તો પછી મુંબઈ આવીને તમારી વાત રજૂ કરો.તમે એકવાર નિર્ભિકતાથી અહીં આવો.ઉદ્ધવ ઠાકરેને મળો.આઘાડીમાંથી બહાર નીકળી જવાની પણ અમારી તૈયારી છે.બાદમાં રાઉતે મરાઠીમાં ટ્વિટ કરતાં કહ્યું હતું કે ગુલામીમાં રહેવા કરતાં આત્મસન્માનનો વિકલ્પ અપનાવવો વધારે યોગ્ય છે.અમારા દ્વાર ખુલ્લાં છે અને કોઈપણ બાબતનો ઉકેલ વાતચીતથી આવી શકે છે.

જોકે,રાઉતની આ અસરની બળવાખોરો પર કોઈ અસર થઈ ન હતી.ગુવાહાટીથી શિંદે જૂથના બળવાખોરોએ જણાવ્યું હતું કે મુંબઈ આવવા કે ન આવવાની અપીીલોનો કોઈ મતલબ નથી.અમારી એક જ માંગ છે કે ઉદ્ધવ ઠાકરે પાસે હવે શિવસેનાના બહુમતી ધારાસભ્યો રહ્યા નથી.આથી તેમણે રાજીનામું ધરી દેવું જોઈએ.તેનાથી કશું ઓછું અમારે સ્વીકારવું નથી.

Share Now