મુંબઈ : મહારાષ્ટ્રના જાહેર બાંધકામ ખાતાંના પ્રધાન અને શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ માત્ર ઉદ્ધવ ઠાકરે સરકારના પતન જ નહીં પરંતુ સમગ્ર શિવસેના સંગઠન પણ તેમની પાસેથી હાઈજેક કરવાનો પ્લાન બનાવ્યો છે.જો શિંદે પોતાના આયોજન મુજબ આગળ વધશે તો આગામી દિવસોમાં ઉદ્ધવ ઠાકરે પરિવાર પાસે બહુ જુજ સૈનિકોનો ટેકો રહેશે.શિંદે દ્વારા બળવાની તૈયારી બહુ મોટા પાયે ચાલતી હતી.તેમણે માત્ર ધારાસભ્યો જ નહીં પરંતુ,સાંસદો અને સંગઠનના કેટલાક નેતાઓને પણ સાધ્યા હતા.હાલ શિંદે પાસે શિવસેનાના ૩૦ થી વધુ ધારાસભ્યો ઉપરાંત ૧૨ જેટલા સંસદસભ્યોનું પણ સમર્થન હોવાનું કહેવાય છે.શિવસેના લોકસભામાં ૧૨ તથા રાજ્યસભામાં ત્રણ સભ્યો ધરાવે છે.
શિંદે તરફી જૂથના મનાતા સંસદસભ્યોમાં થાણેના રાજન વિચારે,વાસિમના ભાવના ગવળી,તથા પાલઘરના રાજેન્દ્ર ગાવિત સહિતના સભ્યોના નામ ચર્ચાઈ રહ્યા છે.એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત ખુદ કલ્યાણ બેઠક પરથી લોકસભાના સભ્ય છે.રાજન વિચારે અને શ્રીકાંત શિંદે તો હાલ ગુવાહાટીમાં હોવાનું મનાય છે જે ત્યાં બળવાખોર ધારાસભ્યોના રોકાણ સહિતની બા બતોમાં એકનાથ શિંદેની મદદ કરી રહ્યા છે. રામટેકના કૃપાલ તુમ્હાને પણ બળવાખોર જૂથની સાથે હોવાનું ચર્ચાયું હતું.પરંતુ,કૃપાલે તેને રદિયો આપ્યો હતો.
જોકે,સુત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ સહિતની મહાપાલિકાઓ અને પાલિકાઓના કોર્પોરેટરો,પરિષદના સભ્યો,શાખા પ્રમુખો સહિત સંગઠનના અનેક નેતાઓ પણ શિંદેની સાથે છે.પરંતુ,તેમાના ઘણા ખરા લોકો ઉદ્ધવ સરકારના પતનની રાહ જોઈ રહ્યા છે.તે પછી જ તેઓ કોઈ પગલું ભરશે.શિંદે સંગઠનના પાયાના નેતા ગણાય છે અને છેલ્લા બે વર્ષમાં તેમણે રાજ્યભરમાં પોતાના સંપર્કો વધારે વિસ્તાર્યા છે.આથી, તેઓ માત્ર ધારાસભ્યો જ નહીં પરંતુ સમગ્ર સંગઠનને અંકે કરવાની નેમ ધરાવે છે.કદાચ શિંદે આ જ તાકાતના જોરે ઉદ્ધવ ને મહાવિકાસ આઘાડીમાંથી નીકળી જવા જણાવી રહ્યા છે.શિંદે ભાજપ સાથે સરકાર રચે કે પછી શિવસેનામાં જ રહે તો પણ હવે આગામી દિવસોમાં ઉદ્ધવ પરિવાર પાસે બહુ જુજ સમર્થકો બચ્યા હશે એમ માનવામાં આવે છે.