આતા કસં વાટતંય

120

એક સમયે એમએનએસના નગરસેવકો તોડવાનું કામ કરનારી શિવસેનાને બૅનર લગાવીને રાજ ઠાકરેના ગુજરાતી નેતાએ માર્યો ટોણો મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસથી રાજકારણમાં હલચલ શરૂ થયા પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(એમએનએસ)શિવસેનાને ઘેરવાનો એક પણ મોકો છોડતી નથી.હવે જ્યારે શિવસેનાના નેતા એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્રના વિધાનસભ્યો અને અનેક નેતાઓએ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે બળવો પોકાર્યો છે અને પક્ષ છોડીને જતા રહ્યા છે એ સમયે મુંબઈના ઘાટકોપરમાં અને કોંકણના રત્નાગિરિમાં એમએનએસે લગાડેલાં આવાં બૅનરો લોકચર્ચામાં છે.

ગઈ કાલે ચાંદીવલી વિધાનસભા ક્ષેત્રના અસલ્ફા વિસ્તારના એમએનએસના અગ્રણી એકમાત્ર ગુજરાતી નેતાએ ૨૦૧૭ની સાલમાં એમએનએસના છ નગરસેવકો દિલીપ લાંડે,ડૉ.અર્ચના ભાલેરાવ,સ્નેહલ મોરે, દત્તા નરવણકર,પરશુરામ કદમ અને અશ્વિની માટેકર એમએનએસ છોડીને ‌શિવસેનામાં જોડાયાં હતાં એ વાત યાદ કરાવી શિવસેનાને ટોણો મારતાં બૅનરમાં કહ્યું હતું કે‘ત્યા વેળી માઝ્યા રાજસાહેબાંચે નગરસેવક ફોડલાત,આતા કસં વાટતંય’!!!(ત્યારે તમે મારા રાજસાહેબના નગરસેવકો ફોડ્યા હતા…હવે તમને કેવું લાગે છે).

આ બૅનર બાબતમાં મહેન્દ્ર ભાનુશાલીએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘ગઈ કાલે અમારા છ ગયા હતા,આજે તમારા ૩૬ ગયા છે.કરેલાં કર્મોને અહીં જ ભોગવવાં પડે છે.તમે ખાડો ખોદ્યો હતો,હવે તમે જ એમાં પડ્યા છો.જ્યારે અમારા છ નગરસેવકો શિવસેનામાં જોડાયા ત્યારે ‌શિવસેનાના નેતાઓ કહેતા હતા કે એમએનએસ ખતમ થઈ ગઈ.આમ છતાં અમારા નેતા રાજ ઠાકરે એક પાવરફુલ વ્યક્તિની જેમ આજ સુધી અડીખમ ઊભા રહ્યા છે.આ ગૂડી પડવાથી આખા મહારાષ્ટ્રમાં જ નહીં,દેશભરમાં જો કોઈ એક વ્યક્તિ ચર્ચામાં હોય તો એ છે અમારા નેતા રાજ ઠાકરે.હવે જ્યારે તમારા તમને છોડીને ગયા ત્યારે હવે તમને કેવું લાગે છે?’

મહેન્દ્ર ભાનુશાલીએ આ પહેલાં ગૂડી પડવાના રાજ ઠાકરેના પ્રવચન પછી ઘાટકોપર-વેસ્ટના અસલ્ફા વિસ્તારમાં સૌથી પહેલાં મસ્જિદની સામે હનુમાન ચાલીસા ગાઈને મસ્જિદ પર લગાવવામાં આવતા લાઉડસ્પીકર સામે વિરોધ કરીને વિવાદ સર્જ્યો હતો.મુંબઈમાં અત્યારે મહેન્દ્ર ભાનુશાલીનું શિવસેનાને ટોણો મારતું બૅનર ચર્ચામાં છે એ જ સમયે બીજી તરફ કોંકણમાં એમએનએસના સરચિટણીસ વૈભવ ખેડેકરે લગાડેલું બૅનર પણ ચર્ચાનો ‌વિષય બની ગયું છે.મહારાષ્ટ્રના ખેડ નગરપરિષદના નગરાધ્યક્ષ અને એમએનએસના મહારાષ્ટ્રના સરચિટણીસ વૈભવ ખેડેકરે આ બૅનરમાં લખ્યું છે કે‘કોંકણચી ભૂમિ નિષ્ઠાવંતી, ગદ્દારાના ઠોકા,ઠાકરે બ્રૅન્ડ વાચવા.(કોંકણ નિષ્ઠાવંતોની ભૂમિ છે,ગદ્દારોને ઠોકો અને ઠાકરે બ્રૅન્ડને બચાવો).

આ બૅનર કોંકણના લોકોનું ધ્યાન ખેંચી રહી છે.એનું કારણ એ છે કે અત્યારે બળવો એકનાથ ‌શિંદેએ પોકાર્યો છે અને મુસીબતો ‌શિવસેનાની વધી છે એવા સમયે શિવસેનાને બદલે એમએનએસના પોસ્ટરથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.મેં મારી ઠાકરે પરિવાર પ્રત્યેની નિષ્ઠા આ બૅનરના માધ્યમથી વ્યક્ત કરી છે એમ જણાવતાં વૈભવ ખેડેકરે માર્મિક હાસ્ય સાથે‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘મને એકનાથ શિંદેના ચાલી રહેલા રાજકારણ સાથે કોઈ નિસબત નથી.મારી વાત માનનીય બાળાસાહેબ ઠાકરે અને રાજ સાહેબ ઠાકરે પ્રત્યેની વફાદારી સંબંધી છે.મારી સીધી વાત છે કે એવું કોઈ પણ રાજકારણ ન રમો જેનાથી ઠાકરે બ્રૅન્ડને આંચ આવે.જે લોકો ઠાકરે બ્રૅન્ડને બચાવી શકતા નથી એવા ગદ્દારોને ઠોકો.કોંકણ અત્યાર સુધી ઠાકરે પરિવાર સાથે નિષ્ઠાવંત રહ્યું છે અને રહેશે.અત્યાર સુધીમાં કોંકણના શિવસેનાના પાંચ વિધાનસભ્યોને ફોડવામાં આવ્યા છે.એમાં અલીબાગના મહેન્દ્ર દળવી,કર્જતના મહેન્દ્ર થોરવે,મહાડના ભરત ગોગાવલે,પાલઘરના શ્રીનિવાસ વનગા અને સાવંતવાડીના દીપક કેસરકરનો સમાવેશ થાય છે.

Share Now