આવું કહેવું છે મુંબઈગરા ગુજરાતીનું.‘મિડ-ડે’એ અત્યારની રાજ્યની પૉલિટિકલ પરિસ્થિતિ વિશે લોકોને પૂછ્યું તો મોટા ભાગના લોકોનું કહેવું હતું કે આપણને કંઈ ફાયદો નથી થવાનો,પણ શિવસેનાએ ટકી રહેવું હોય તો હિન્દુત્વનો છેડો પાછો ઝાલવો પડશે
શિવસેનાના થાણેના પ્રખર નેતા એકનાથ શિંદેના બળવા પછી મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વાર ગરમાવો આવી ગયો છે.દેશભરના જ નહીં,વિશ્વના દેશોની નજર અત્યારે મહારાષ્ટ્ર પર છે.બધે એક જ વાતની ચર્ચા ચાલી રહી છે કે શિવસેનાનું શું થશે? શું મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર ટકી જશે કે પછી એકનાથ શિંદેના બળવા પછી ફરીથી એક વાર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેની સરકાર સત્તા પર આવશે? મુંબઈ અને મહારાષ્ટ્રની ગલીઓમાં,રસ્તાઓ પર,ટ્રેનોમાં અને માર્કેટોમાં મહારાષ્ટ્રના રાજકીય ભૂકંપનું પરિણામ શું આવશે એની જ ચર્ચા ચાલી રહી છે ત્યારે સામાન્ય ગુજરાતી ગૃહિણીથી લઈને વેપારીઓનું આ વિશે શું માનવું છે એ જાણવાનો ‘મિડ-ડે’એ પ્રયાસ કર્યો હતો.
સૌનું એક તારણ છે કે આનાથી સામાન્ય માનવીને કેટલો ફાયદો થશે એ તો આવનારો સમય કહેશે,પરંતુ એક વાત નક્કી છે કે હિન્દુત્વના સિદ્ધાંતોને ભૂલી ગયેલી શિવસેનાએ આ સિદ્ધાંતોને ફરી અપનાવવા પડશે અને એને અમલમાં પણ મૂકવા પડશે.સાથોસાથ વિકાસનાં રૂંધાયેલાં કામોને ફરીથી વેગ આપવો પડશે.