સરકાર બહુમતીમાં ન હોવાનો દાવો કરીને આ આદેશ રદ કરવાની માગણી બીજેપીએ રાજ્યપાલને પત્ર લખીને કરી મહારાષ્ટ્રમાં શિવસેનામાં બળવો થવાથી મહાવિકાસ આઘાડી સરકાર મુશ્કેલીમાં છે છતાં ૨૦થી ૨૪ જૂન દરમ્યાન આ સરકારે સેંકડો કરોડ રૂપિયાના ૧૮૨ સરકારી આદેશ જારી કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.એટલું જ નહીં,૧૭ જૂને સરકારે ૧૦૭ સરકારી આદેશ પાસ કર્યા હતા જે સરકારની અધિકૃત વેબસાઇટ પર છે.બીજેપીએ દાવો કર્યો છે કે શિવસેનાના ૪૦થી વધુ વિધાનસભ્યોએ બળવો કર્યો હોવાથી સરકાર બહુમતીમાં નથી ત્યારે આ સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા આદેશ ગેરકાયદે છે એટલે એ રદ કરવાની માગણી કરતો પત્ર રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને લખ્યો હતો.
મહાવિકાસ આઘાડી સરકારમાં શિવસેના-અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન છે. શિવસેનાના ૪૦ જેટલા વિધાનસભ્યો સાથે એકનાથ શિંદેએ બળવો કર્યો હોવાથી બે દિવસ પહેલાં ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના નેતાઓને હું આ પદ માટે યોગ્ય ન લાગતો હોઉં તો રાજીનામું આપી દઈશ એવું કહ્યું હતું.આથી સરકાર ગમે ત્યારે તૂટી પડવાની શક્યતા હોવા છતાં સરકારે ૨૦થી ૨૪ જૂન દરમ્યાન સેંકડો કરોડ રૂપિયાનાં વિકાસ સંબંધી કામોને મંજૂરી આપતા આદેશ પાસ કર્યાં હોવાનું જાણવા મળ્યું હતું.એટલું જ નહીં,૧૭ જૂને સરકારે આવા બીજા ૧૦૭ સરકારી આદેશ મંજૂર કર્યાં હતા.
સરકારના આ નિર્ણયનો વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા અને બીજેપીના વરિષ્ઠ નેતા પ્રવીણ દરેકરે વિરોધ વ્યક્ત કરીને એ રદ કરવાની માગણી કરતો પત્ર રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને ગઈ કાલે લખ્યો હતો.પત્રમાં પ્રવીણ દરેકરે લખ્યું હતું કે‘રાજ્ય સરકારે જારી કરેલા સરકારી આદેશ શંકાસ્પદ છે.સરકારે ૨૪ કલાકમાં ૧૬૦થી વધુ આદેશ જારી કર્યા છે જે યોગ્ય નથી લાગતા.આથી આપને વિનંતી છે કે આમાં હસ્તક્ષેપ કરો અને સરકારની આવી પ્રવૃત્તિ પર નિયંત્રણ મૂકો.અમને શંકા છે કે રાજ્યના ગૃહવિભાગ સહિતના મહત્ત્વના વિભાગના મહત્ત્વના અધિકારીઓની બદલી કરવાની હિલચાલ થઈ રહી છે.
આપને ખ્યાલ છે કે પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારના આરોપ થયા બાદ ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ જેલમાં છે.આ કેસ સંબંધી અધિકારીઓની બદલી કરાશે તો આ મામલાને અસર થશે.સરકાર અઢી વર્ષથી સત્તામાં છે ત્યારે જનતાના હિત માટેનાં જૂજ કામ કરી શકી છે અને હવે જ્યારે એ જવાની તૈયારીમાં છે ત્યારે અચાનક એકસાથે સેંકડો કરોડો રૂપિયાનાં વિકાસ સંબંધી કામને મંજૂરી આપીને જનતાના રૂપિયાનો દુરુપયોગ કરી રહી છે.આપ આ તમામ આદેશને રદ કરવા માટે હસ્તક્ષેપ કરો.’